હવે તો એક સીટ નહીં આપીએઃ મમતા બેનરજીએ કોંગ્રેસ માટે કરી નાખી મોટી વાત
માલ્દાઃ લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની આગેવાની હેઠળ I.N.D.I.A. અલાયન્સનું ગઠન કર્યું હતું, જેમાં સત્તાધારી પાર્ટી (ભારતીય જનતા પાર્ટી-ભાજપ)ને સત્તામાંથી હટાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો, પરંતુ એક પછી એક પાર્ટી વિખૂટી પડી રહી હોવાથી હવે ચૂંટણીમાં ગઠબંધન માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.
I.N.D.I.A. અલાયન્સમાંથી એક (ટીએમસી, આમ આદમી પાર્ટી, ટીએમસી સહિત સમાજવાદી પાર્ટી) પછી એક પાર્ટીની એક્ઝિટ થઈ રહી છે. હવે કોંગ્રેસ અને ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી)ની વચ્ચે સીટ વહેંચણીનો મુદ્દો વધુ વણસી રહ્યો છે ત્યારે આજે આ મુદ્દે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોંગ્રેસ માટે મોટું નિવેદન આપ્યું હતું અને રોકડું પરખાવતા કહ્યું હતું કે પહેલા અમે બે સીટ આપી રહ્યા હતા, પરંતુ હવે એક પણ સીટ આપીશું નહીં.
કોંગ્રેસને પહેલા બે સીટ આપવાની રજૂઆત કરી હતી, પરંતુ તેમને વધુ સીટ જોઈતી હતી. આમ છતાં હવે એક પણ સીટ આપવામાં આવશે નહીં. હાલમાં કોંગ્રેસ સીપીએમની સાથે છે. અમે કોંગ્રેસને સીપીએમનો સાથ છોડવાનો અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની મમતા બેનરજીએ સ્પષ્ટતા કરી હતી. એટલું જ નહીં, મમતા બેનરજીએ વિપક્ષી પાર્ટીના મહાગઠબંધનમાં ઊભા થનારા મતભેદો મુદ્દે પણ જવાબદાર ગણાવી હતી.
માલ્દામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ લોકોને સમર્પિત કરી હતી. આ દરમિયાન તેમણે ઢોલ પણ વગાડ્યો હતો. નોંધનીય છે કે માલ્દા અને મુર્શિદાબાદ બંને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ દિવસોમાં સીએમ મમતા બેનરજી ઉત્તર બંગાળના જિલ્લાઓની મુલાકાતે છે, જ્યાં તેમણે વહીવટી બેઠકો યોજી હતી.
પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ માલ્દા જિલ્લામાં પોતાની ‘જોનોસંજોગ યાત્રા’ કરી હતી. મમતા બેનર્જી કૂચ બિહાર, ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ માલદા પહોંચ્યા હતા. તેમની પદયાત્રા દરમિયાન સીએમ મમતા બેનરજીએ સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા.
મમતાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું, ‘હું ભાગ્યે જ રાજનીતિ કરવા માટે આવું છું પરંતુ કેટલીક પાર્ટીઓ એવી છે જે ચૂંટણી સમયે કોયલની જેમ ટહુકા કરવાનું શરૂ કરી દે છે. ભાજપ સાથે અમારી લડાઈ ચાલુ રહેશે, અમે એકલા લડીશું. ભાજપને જો કોઈ હરાવી શકે છે તો તે તૃણમૂલ કોંગ્રેસ છે.