હવે આ રૂટ પર ચાલશે વંદે ભારત ટ્રેન, જાણો માહિતી
નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવે આ શ્રેણીમાં ઉત્તરાખંડના લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે કાઠગોદામ અને દેહરાદૂન વચ્ચે નવી વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરી રહી છે. હાલમાં આ બે સ્ટેશનો વચ્ચે માત્ર 2 ટ્રેનો દોડે છે.
આવી સ્થિતિમાં સ્થાનિક લોકોને મુસાફરીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાઠગોદામ અને દેહરાદૂન વચ્ચેએક જનશતાબ્દી ટ્રેન ચાલે છે, જે સવારે દહેરાદુન સ્ટેશનેથી રવાના થાય છે. બીજી ટ્રેન કાઠગોદામ-દેહરાદૂન એક્સપ્રેસ, જે માત્ર રાત્રે જ ચાલે છે. આવી સ્થિતિમાં જેઓ દિવસ દરમિયાન મુસાફરી કરે છે તેમને માટે ઘણી સમસ્યા ઊભી થાય છે.
રિપોર્ટ અનુસાર, નવી વંદ ભારત ટ્રેન કાઠગોદામ અને દેહરાદૂન વચ્ચે દિવસ દરમિયાન દોડશે. આનાથી મુસાફરોને ચોક્કસપણે ઘણી સુવિધા મળશે. તેની શરૂઆત બાદ લોકોને કુમાઉથી દેહરાદૂન સુધીની આ ત્રીજી ટ્રેનનો વિકલ્પ મળશે. હાલમાં વંદે ભારત ટ્રેન દહેરાદૂનથી દિલ્હી દોડી રહી છે, પરંતુ હજુ સુધી કુમાઉ વિસ્તારમાંથી કોઈ વંદે ભારત ટ્રેન શરૂ થઇ નથી. વંદે ભારતને લઈને સંરક્ષણ અને પર્યટન રાજ્ય પ્રધાન તરફથી રેલવેને પત્ર પણ લખવામાં આવ્યો છે.
નવી વંદે ભારત ટ્રેન વિશે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે દિલ્હી માટે શરૂ થશે, પરંતુ હવે આ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો કાઠગોદામથી દહેરાદૂન સુધી ચાલશે તેવું જાણવા મળ્યું છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રેલવે સૂત્રોના હવાલાથી મીડિયામાં આ વાત સામે આવી છે.
ઉત્તરાખંડની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન 29 મે 2023થી શરૂ થયું હતું. આ સેમી હાઇ સ્પીડવાળી ટ્રેન દિલ્હીથી દહેરાદુન વચ્ચે ચલાવવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ 25 મેના રોજ આ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.