હવે અયોધ્યાના આ મંદિરે ઊભી કરી લોકપ્રિયતા, જાણો કયું છે?

અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના કુળદેવીને સમર્પિત બારહી દેવકાળી મંદિર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામના જન્મ પછી તેમની માતા કૌશલ્યા તેમના સમગ્ર પરિવાર સાથે મંદિરમાં ગયા હતા. કેટલાક દાયકાઓ જૂના મંદિરમાં કાર્તિક પૂર્ણિમા, રામ નવમી અને નવરાત્રી પર સ્થાનિક લોકોનો ધસારો જોવા મળે છે. આ મંદિર અગાઉ હનુમાન ગઢી મંદિરની જેમ ભક્તોમાં બહુ લોકપ્રિય નહોતું.
બારહી દેવકાળી મંદિરના મુખ્ય પૂજારી સુનીલ પાઠકના જણાવ્યા મુજબ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. નવમી નવેમ્બર, ૨૦૧૯ પહેલા બારહી દેવકાળી મંદિરની મુલાકાત લેતા ભક્તોની સરેરાશ સંખ્યા પ્રતિ દિવસ ૫૦-૬૦ હતી, જ્યારથી સુપ્રીમ કોર્ટના નિર્ણયે રામ મંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો કર્યો ત્યારથી સંખ્યા વધીને ૫૦૦ પ્રતિ દિવસ થઇ ગઇ હતી. અભિષેક સમારોહ પછી ભક્તોનો ધસારો વધ્યો છે. વધતા ધસારાને સંભાળવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મંદિરના મહત્વ અંગે પાઠકે કહ્યું હતું કે બારહી દેવકાળી એ ત્રણ દેવીઓ-મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું સંયોજન છે. ભગવાન રામના પૂર્વજ રાજા રઘુના સ્વપ્નમાં દેવી દેખાયા હતા અને તેમને યુદ્ધમાં વિજયી થવા માટે યજ્ઞ કરવાની સૂચના આપી હતી. રાજા રઘુએ યજ્ઞ કરાવ્યો અને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો ત્યારપછી તેણે અહીં બારહી દેવકાળીની પ્રતિમા સ્થાપિત કરાવી. એવું માનવામાં આવે છે કે ભગવાન રામના જન્મ પછી તેમની માતા કૌશલ્યાએ તેમના સમગ્ર પરિવાર સાથે મંદિરની મુલાકાત લીધી હતી.