
અત્યારે આખો દેશ અયોધ્યાના રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સવના રંગમાં રંગાઈ ગયો છે દેશ વિદેશના મોટી મોટી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે અને એમાંથી બોલીવુડના સેલેબ્સ પણ બાકાત નથી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ રણદીપ હુડ્ડાને અયોધ્યા રામ મંદિરનું આમંત્રણ આપવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરીના રામલલ્લા ગાદી પર બિરાજમાન થશે.
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર બી ટાઉનના એક્ટર રણદીપ હુડ્ડાને પણ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એક્ટરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પત્ની સાથે ફોટો પોસ્ટ કર્યો છે અને એક્ટરની પત્ની આમંત્રણ પત્રિકા દેખાડી રહી છે.
ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાને આમંત્રણ પત્રિકા મળતાં અભિનેતાની ખુશી ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. એક્ટરે ફોટોની કેપ્શનમાં રામ રામ લખ્યું છે. રણદીપ હુડ્ડાએ હાલમાં જ તેનાથી નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્નબંધનમાં બંધાયો છે અને એના લગ્નના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીવી સીરિયલ રામાયણની સીતા તરીકે ઘર ઘરમાં લોકપ્રિય થયેલી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ સમયે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે ઐતિહાસિક ક્ષણમાં સહભાગી થવાની તક આપવા બદલ ખુબ ખુબ આભાર…
અત્યાર સુધીમાં બોલીવૂડમાંથી આ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવાનું આમંત્રણ અમિતાભ બચ્ચન, કંગના રનૌત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનુપમ ખેર, માધુરી દીક્ષિત, રાજકુમાર હિરાની, રોહિત શેટ્ટી, સાઉથના સ્ટાર્સમાં ધનુષ, ચિરંજીવી, રજનીકાંત, પ્રભાસ અને મોહનલાલને મળી ચૂક્યું છે.