નેશનલ

હવે આ અભિનેતાના પક્ષે એનડીએ સાથે છેડો ફાડ્યો

2024માં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ઉપલપાથલ થતી રહેશે. ત્યારે આ વચ્ચે હવે બીજેપીને દક્ષિણથી મોટો ઝાટકો લાગ્યો છે. એક્ટર અને નેતા પવન કલ્યાણે આજે ભાજપના નેતૃત્વ વાળી NDAનો સાથ છોડવાનું અને TDPનું સમર્થન કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશને વિકાસ માટે જનસેના અને TDPની જરૂર છે.

જેએસપી ચીફ અને અભિનેતા પવન કલ્યાણે કહ્યું કે, TDP એક મજબૂત પાર્ટી છે અને આંધ્ર પ્રદેશને સુશાસન અને વિકાસ માટે તેલુગુ દેશમ પાર્ટીની જરૂર છે. આજે TDP સંઘર્ષ કરી રહી છે અને અમે તેના સાથે છીએ. આ સ્થિતિમાં TDPને જનસૈનિકોના યુવાનોની જરૂર છે. તેમણે આગળ કહ્યું કે, જો TDP અને જનસેના હાથ મિલાવી લેશે તો રાજ્યમાં વાઈએસઆરસીપીની સરકાર ડૂબી જશે.


ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ બાદથી પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની વાઈએસઆર જગનમોહન રેડ્ડીની સરકારથી નારાજ છે. જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણ 14 સપ્ટેમ્બરના રોજ ચંદ્રબાબૂ નાયડૂ સાથે મુલાકાત કરવા માટે રાજામુંદ્રી સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે 18 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આયોજિત NDAની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં પવન કલ્યાણે કહ્યું હતું કે, તે ભાજપનું સમર્થન કરશે. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, બેઠક ખૂબ જ સારી રહી અને આ દરમિયાન આત્મનિર્ભર ભારત પર ચર્ચા કરવામાં આવી હતી. પોતાની પાર્ટી તરફથી મેં પીએમને વચન આપ્યું છે કે, અમે તેમની સાથે ઊભા છીએ.


પવન કલ્યાણે આંધ્ર પ્રદેશમાં તેમની પાર્ટી એનડીએ અને ટીડીપીને વાયએસઆરસીપી સરકાર સામે લડવા માટે એકસાથે ઊભા રહેવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. પરંતુ હવે તેમણે NDA છોડવાનો નિર્ણય લઈ લીધો છે. 2019માં યોજાયેલી ચૂંટણીમાં પવન કલ્યાણની જનસેના પાર્ટી 5.6% વોટ શેર સાથે માત્ર એક બેઠક જીતી હતી જ્યારે TDP 39.7 ટકા વોટ શેર સાથે 23 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જ્યારે YSRCPએ 50.6 વોટ શેર સાથે 151 બેઠકો પર જીત મેળવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button