મોબાઈલ પર હવે કોલરનું જોવા મળશે અસલી નામ, આવો છે પ્લાન

નવી દિલ્હીઃ આજકાલ લોકો તેમના ફોનમાં આવતાં અજાણ્યા કે સ્પામ કોલથી પરેશાન છે. લોકોને આ સમસ્યામાંથી ટૂંક સમયમાં મુક્તિ મળી શકે છે. TRAI અને DoT ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન લાવશે. જે મુજબ હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર ફોન કરનારા વ્યક્તિનું અસલી નામ જોવા મળશે. હાલ ટ્રૂ કોલરમાં જે રીતે કોઈનો કોલ આવે અને જે તે વ્યક્તિની વિગત દર્શાવે છે તેવી જ રીતે આમાં પણ થશે. આ માટે કોઈ થર્ડ પાર્ટી એપની પણ જરૂર નહીં પડે.
TRAI અને DoT ની આ નવી વ્યવસ્થા હેઠળ, હવે તે જ નામ દેખાશે જે યુઝરે પોતાના મોબાઇલ નંબર માટે KYC માં નોંધાવેલું છે. આનાથી છેતરપિંડી અને નકલી કૉલ્સ પર નિયંત્રણ આવશે. એટલું જ નહીં, આ સુવિધા ડિફોલ્ટ રૂપે સક્રિય રહેશે, જોકે, યુઝર્સ ઇચ્છે તો તેને ડીએક્ટિવેટ પણ કરાવી શકશે. હરિયાણામાં આ સર્વિસનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે.
2024 માં TRAI એ CNAP નો પ્રસ્તાવ મૂક્યો હતો
ફેબ્રુઆરી 2024 માં TRAI એ ‘કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP – Calling Name Presentation)’ નામની સર્વિસનો એક પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે ગ્રાહક પોતે તેની વિનંતી કરશે તે બાદ જ આ ફીચર ઓન થશે. આ પછી DoT એ TRAI ને આ ફીચર બધા યુઝર્સ માટે ડિફોલ્ટ રૂપે ચાલુ થવું જોઈએ તેવું સૂચન કર્યું હતું. જો કોઈ વ્યક્તિ ઇચ્છે તે સર્વિસને બંધ પણ કરાવી શકે છે. હાલમાં TRAI એ DoT ના વિચારો પર સહમતિ દર્શાવી છે.
કોને મળશે છૂટ?
આ છૂટ જેમણે કૉલિંગ લાઇન આઇડેન્ટિફિકેશન રિસ્ટ્રિક્શનની સુવિધા લીધી હશે તેમને મળશે. આવા લોકોના નામ સ્ક્રીન પર દેખાશે નહીં. આ છૂટ ખાસ કરીને ઇન્ટેલિજન્સ એજન્સીઓ, VIPs અને પસંદગીના લોકોને આપવામાં આવશે. પરંતુ જે કોઈ CLIR માટે અરજી કરશે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ તેને આ સુવિધા મળશે.
તાજેતરમાં સરકારે CNAP પોર્ટલને મંજૂરી આપી હતી. જે બાદ ટેલિકોમ કંપનીઓએ તેનું ટેસ્ટિંગ શરૂ કર્યુ છે. આ કારણે અનેક યુઝર્સને ફોનમાં સેવ ન કર્યા હોય તેવા નામ જોવા મળી રહ્યા છે. પહેલા ફોનમાં સેવ ન કરેલા નંબરની ઓળખ કરવી મુશ્કેલ હતી અને લોકો ટ્રૂ કોલર જેવી એપ્સ પર નિર્ભર હતા. CNAP સરકારી રેકોર્ડથી ડેટા પ્રાપ્ત કરે છે, જેનાથી કોલરની ઓળખ વઘારે ભરોસાપાત્ર બનાવે છે.
શું છે CNAP અને કેવી રીતે કામ કરે છે?
CNAP એક caller ID સિસ્ટમ છે. જે સરકારી વેરિફિકેશન સાથે Truecaller ની જેમ કામ કરે છે. જ્યારે કોઈ કોલ કરે છે તો સૌથી પહેલા નંબર સાથે જોડાયેલું આધાર નામ સ્ક્રીન પર જોવા મળે છે. જે બાદ તે તમારા દ્વારા સેવ કરવામાં આવેલા નામમાં બદલાઈ જશે.



