મુંબઇઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ડીપફેક વીડિયોનો શિકાર બન્યો છે. માસ્ટર બ્લાસ્ટરે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમગ્ર મામલાનો ખુલાસો કર્યો હતો. સચિન તેંડુલકરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ વીડિયોમાં ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને એક એપને પ્રમોટ કરતો બતાવવામાં આવી રહ્યો છે.
હવે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે આ પ્રકારના બનાવોથી રોકવા માટે સરકાર સખત પગલાં ભરશે. સચિનના વીડિયો અંગેની પોસ્ટમાં કેન્દ્રીય પ્રધાને લખ્યું હતું કે સરકાર ઈન્ફર્મેશન ટેક્નોલોજી કાયદા અન્વયે કડક નિયમો બનાવશે. સચિનને ટેગ કરીને લખ્યું હતું કે આ પ્રકારના વીડિયોઝ ભારતીયોની સુરક્ષા મુદ્દે જોખમી છે. રશ્મિકા મંદાનાનો પણ ડીપફેક વીડિયો વાઈરલ થયો હતો.
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આ વીડિયો ફેક છે, તમને ફસાવવા માટે બનાવવામાં આવ્યો છે. તેણે આગળ લખ્યું કે ડીપફેકનો દુરુપયોગ યોગ્ય નથી. આપ સૌને વિનંતિ છે કે આવા વીડિયો કે એપ્સ કે જાહેરાતને રિપોર્ટ કરો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સાવચેત રહેવું જોઈએ.
શક્ય તેટલી વહેલી તકે સંબંધિત વ્યક્તિ સામે પગલાં લેવા જોઈએ. આ સાથે માસ્ટર બ્લાસ્ટરે ઈલેક્ટ્રોનિક્સ, આઈટી મંત્રાલય અને આ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને પણ આ અંગે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડીપફેક વીડિયોમાં સચિન તેંડુલકરને કહેતો બતાવવામાં આવ્યો છે કે તેની પુત્રી ઓનલાઈન ગેમ રમે છે અને તેમાંથી તે 180 હજાર રૂપિયા કમાઈ રહી છે. હવે સારા પૈસા કમાવવાનું કેટલું સરળ બની ગયું છે.
સચિનનો એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગેમિંગ એપનો પ્રચાર કરતો જોવા મળી રહ્યો છે. સચિને હવે સરકારને આ પ્રકારની ખોટી માહિતી ફેલાવવા સામે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.