નેશનલ

હવે આ મામલે કૉંગ્રેસે મોદી સરકારની કાઢી ઝાટકણી અને કર્યા આક્ષેપો

નવી દિલ્હીઃ એક તરફ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મામલે કૉંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે ત્યારે બીજા એક મહત્વના મુદ્દે કૉંગ્રેસે મોદી સરકારને ભીંસમાં લેવાનું શરૂ કર્યું છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ અને સંસદ સભ્ય જયરામ રમેશે લદ્દાખમાં ભારત અને ચીન સરહદ પર તણાવને મુદ્દે એક નિવેદન આપી મોદી સરકાર પર આક્ષેપો કર્યા છે. આ નિવેદન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ 11 જાન્યુઆરીના રોજ આપેલી એક માહિતીના આધારે આપ્યું છે. પાંડેએ તેમની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમારો પ્રયાસ 2020ના મધ્ય સુધીની સ્થિતિમાં જવા માટે ચીન સાથે વાતચીત ચાલુ રાખવાનો છે. જયરામના આક્ષેપ મુજબ પાંડેનું નિવેદન જણાવે છે કે લગભગ ચાર વર્ષ સુધી ઘૂસણખોરી પછી પણ ચીની સૈનિકોને લદ્દાખમાં 2000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પહોંચતા રોકવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, રાજૌરી પુંચમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. રાજૌરી પુંચ સેક્ટરમાં સરહદ પારથી આતંકવાદી માળખાને સમર્થન ચાલુ છે.

જયરામ રમેશે કહ્યું આ સ્પષ્ટ કરે છે કે સરહદ પારથી આતંકવાદનો ખતરો યથાવત છે. નોટબંધી દ્વારા આતંકવાદને ખતમ કરવાનો કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો દાવો સાવ ખોટો સાબિત થયો છે. 5 ઓગસ્ટ, 2019 થી, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 160 થી વધુ સૈનિકો માર્યા ગયા છે. સૈનિકો પર તાજેતરમાં 12 જાન્યુઆરીએ પૂંચમાં હુમલો કરવામાં આવ્યો હતો.

જયરામ રમેશે વડા પ્રધાન પર તીખાં પ્રહારો કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા 19 જૂન, 2020 ના રોજ ચીનને આપવામાં આવેલી ક્લિનચીટના કારણે, 18 રાઉન્ડની વાટાઘાટો છતાં, ચીને ભારતના 2000 ચોરસ કિલોમીટરના વિસ્તાર પર નિયંત્રણ ચાલુ રાખ્યું છે. લેહના પોલીસ અધિક્ષક દ્વારા રજૂ કરાયેલ એક પેપર સ્પષ્ટપણે જણાવે છે કે ભારત હવે 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 26 પર જઈ શકશે નહીં. આ તે પેટ્રોલિંગ પોઈન્ટ છે જ્યાં ભારતીય સેના 2020 સુધી કોઈપણ પ્રતિબંધ વિના પેટ્રોલિંગ કરતી હતી. આજે, ડેપસાંગ અને ડેમચોક જેવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારો પણ ભારતીય સૈનિકોની પહોંચની બહાર છે, આવો ગંભીર આક્ષેપ રમેશે કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે મોદી સરકારનું અસંવેદનશીલ વલણ ભૂતપૂર્વ આર્મી ચીફ એમ. નવરણેના પુસ્તકમાં થયેલા ઘટસ્ફોટ દ્વારા પણ બહાર આવ્યું છે. આમાં તેણે કહ્યું છે કે અગ્નિપથ યોજનાથી સેના આશ્ચર્યચક્તિ હતી અને નેવી અને એરફોર્સ માટે આ એક આંચકા સમાન હતી. આ સાથે તેમણે આક્ષેપ કર્યો હતો કે આ ઉદાહરણો સાબિત કરે છે કે વડા પ્રધાન માટે રાષ્ટ્રીય સુરક્ષા પણ દેશના ભોગે વ્યક્તિગત પ્રસિદ્ધિ અને સ્વ-ગૌરવનું સાધન બની ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button