બિહાર બાદ મુંબઈમાં મતદાર યાદીનો મામલો ગરમાયોઃ ઠાકરે ભાઈઓએ ચૂંટણી પંચને કર્યા સવાલ

મુંબઈઃ બિહાર ચૂંટણી પહેલા કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો હતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાના અભાવના મુદ્દે વારંવાર ચૂંટણી પંચને ઘેર્યું હતું. તેમના આક્ષેપોમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સમયના મતદાન અને પરિણામ મુખ્યત્વે હતા. હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ પક્ષ લાગ્યા છે ત્યારે મતદાર યાદીનો મુદ્દો મુંબઈમાં પણ ગરમાયો છે.
આજે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મનસેના વડા રાજ ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, જીતેન્દ્ર આવ્હાડ, બાળાસાહેબ થોરાટ, અનિલ દેસાઈ, અનિલ પરબ, જયંત પાટિલ (શેકાપ) સહિત વરિષ્ઠ વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમને મળ્યું હતું અને તેમને સમક્ષ ઘણા સવાલો કર્યા હતા. ખાસ કરીને મતદાર યાદીમાં ગૂંચવણ, ચૂંટણી પંચની કામગીરી અને મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતાના મુદ્દાઓને લઈને વિપક્ષે સીધા ચૂંટણી પંચનો જ સંપર્ક સાધ્યો હતો. આ બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં ખામીઓ અંગે સીધા પ્રશ્નો ઉઠાવ્યા અને ચૂંટણી પંચની કામગીરી સામે અસંતષ અને નારાજગી પણ વ્યક્ત કર્યા હતા.
શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કોનો મત કોને જાય છે તે જ મોટી મુંઝવણ છે. તેમણે VVPat લાવવાની માગણી પણ કરી હતી. ઠાકરેએ જણાવ્યું કે ચૂંટણી પંચની કામગીરી અંગે સામાન્ય માણસના મનમાં ઘણી શંકા છે. લોકસભા અને વિધાનસભામાંથી કેટલા મતદારોને બાકાત રાખવામાં આવ્યા તેની વિગતો કેમ ઉપલબ્ધ નથી, કોઈ વ્યક્તિને તેનું નામ કેમ બાકાત રાખવામાં આવ્યું તે કેમ કહેવામાં આવતું નથી?, ચૂંટણી પંચે નામો અને તેમની સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવી જોઈએ, ઓક્ટોબર 2024 થી જુલાઈ 2025 વચ્ચે વિધાનસભા માટે ઉમેરવામાં આવેલા નામોની યાદી હજુ પણ પ્રકાશિત કેમ થઈ નથી જેવા અનેક સવાલો તેમણે પૂછ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ ઠાકરે બન્યા આક્રમક
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ તીખાં સવાલો કર્યા હતા. તેમણે પંચ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી શરૂ ન થઈ હોવા છતાં મતદાર નોંધણી કેમ બંધ કરવામાં આવી, આજે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી રહેલા લોકોને મતદાનનો હક નથી. એક મતદારના નામ બે કે ત્રણ જગ્યાએ હોય છે, મતદાર યાદીમાં જ ભારે મૂંઝવણ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે પિતાની ઉંમર બાળકની ઉંમર કરતા ઓછી છે, તેવા કિસ્સા અંગે પણ તેમણે સવાલ કર્યા હતા. મતદાર યાદીમાં આટલી બધી ગૂંચવણો છે ત્યારે ચૂંટણી તમે કઈ રીતે યોજો છો, તમને 31 જાન્યુઆરી સુધીમાં ચૂંટણી યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે તમે તૈયાર છો કે નહીં તેવો સવાલ તેમણે ચૂંટણી પંચને કર્યો હતો.
આપણ વાંચો: પ્રશાંત કિશોર બિહારની ચૂંટણી નહીં લડે; આ કારણે લીધો મોટો નિર્ણય