નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

હવે વારાણસીમાં મોદી સામે 7 ઉમેદવારો મેદાને, શ્યામ રંગીલા સહિત 32 ઉમેદવારી પત્રો નામંજૂર

વારાણસી: PM નરેન્દ્ર મોદીની બેઠક વારાણસી પર ઉમેદવારી પત્રોની ચકાસણીમાં 41માંથી 32 ઉમેદવારોના પેપર નામંજૂર કરવામાં આવ્યા છે. પીએમ મોદી સામે કોંગ્રેસ-બસપા સહિત સાત ઉમેદવારો મેદાનમાં છે. માત્ર એક ઉમેદવાર શિવકુમારનું નામાંકન ચકાસણી માટે બાકી છે. સ્ટેન્ડ અપ કોમેડિયન શ્યામ રંગીલા, કે જેમણે ચાર દિવસ સુધી નોમિનેશન ન સ્વિકારાયા હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો, તેનું નોમિનેશન પણ ફગાવી દેવામાં આવ્યું છે. વારાણસીમાં 17મી મે સુધી નામાંકન પરત ખેંચવાનો હજુ સમય છે. જો કોઈ પોતાનું નામ પાછું નહીં ખેંચે તો માત્ર આઠ જ ઉમેદવારો મેદાનમાં રહેશે.

જાણીતા કોમેડિયન અને યુટ્યુબર શ્યામ રંગીલાનું નોમિનેશન ફગાવી પણ દેવામાં આવ્યું છે. શ્યામ રંગીલાએ મંગળવારે વારાણસી લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, એફિડેવિટ રજૂ ન કરવાને કારણે શ્યામ રંગીલાનું નોમિનેશન નામંજૂર કરવામાં આવ્યું છે. શ્યામ રંગીલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અપક્ષ તરીકે વારાણસીથી ચૂંટણી લડી રહ્યા હતા.

આ દરમિયાન જૌનપુરના ભૂતપૂર્વ સાંસદ અને બાહુબલી નેતા ધનંજય સિંહની પત્ની શ્રીકલા બુધવારે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમિત શાહ સાથેની તેમની મુલાકાતનો ફોટો પોસ્ટ કરતાં શ્રીકલાએ તેને સૌજન્ય મુલાકાત ગણાવી હતી.

અમિત શાહ સાથે તેમની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ધનંજય સિંહે જૌનપુરમાં ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ગુરુવારે જૌનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીકલા પણ મોદીના મંચ પર હાજર રહેશે. આ પહેલા તે આ જ મંચ પરથી ભાજપમાં જોડાઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button