પાકિસ્તાન પર કાર્યવાહી પહેલા વડા પ્રધાન મોદીએ એર ચીફ માર્શલ સાથે કરી મુલાકાત
યુદ્ધના ભણકારા વચ્ચે ભારતને મળી આ ખતરનાક મિસાઈલ

નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વણસી રહ્યા છે. ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરશે તેવી ચર્ચા થઈ રહી છે. ભારતે વિવિધ પ્રતિબંધો દ્વારા પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા મામલે આ બેઠક ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પહેલા શુક્રવારે નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ પણ વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે એક કલાક સુધી પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી અને તૈયારી અંગે જાણકારી આપી હતી. પાકિસ્તાન સામ કાર્યવાહીની સંભાવના વચ્ચે 30 એપ્રિલે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.
યુદ્ધના ભણકારા વચ્ચે ભારતને મળી આ ખતરનાક મિસાઈલ
ભારતે તેની યુદ્ધ ક્ષમતા વધારવા માટે વધુ એક પગલું ભર્યું હતું. રશિયાએ ભારતીય સેનાને ઇગ્લા-એસ મિસાઇલોનો નવો પુરવઠો પૂરો પાડ્યો છે. ખૂબ જ ટૂંકી શ્રેણીની હવાઈ સંરક્ષણ પ્રણાલી (VSHORADS) ભારતીય સેનાના હવાઈ સંરક્ષણનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. કેન્દ્ર દ્વારા દળોને આપવામાં આવેલી કટોકટી ખરીદી સત્તાઓ હેઠળ કરવામાં આવેલા કરારના ભાગ રૂપે ઇગ્લા-એસ મિસાઇલોનો નવો પુરવઠો પ્રાપ્ત થયો છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાને થોડા અઠવાડિયા પહેલા ઇગ્લા-એસ એર ડિફેન્સ મિસાઇલોનો નવો પુરવઠો મળ્યો હતો. સરહદો પર દુશ્મનના લડાકુ વિમાનો, હેલિકોપ્ટર અને ડ્રોનથી થતા ખતરાનો સામનો કરવા માટે ફોરવર્ડ ફોર્મેશન્સને આ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
દારૂ-ગોળા ફેક્ટરીમાં કામ કરતાં કર્મચારીઓની રજા કરવામાં આવી રદ્દ
ભારત ગમે ત્યારે હુમલો કરશે તેવો ફફડાટ પાકિસ્તાનમાં ફેલાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાની ઑર્ડિનેંસ ફેક્ટરી ખમરિયા અને મહારાષ્ટ્રની ચંદ્રપુર જિલ્લા સ્થિત ઑર્ડિનેંસ ફેક્ટરી ચંદામાં કાર્યરત તમામ કર્મચારીઓની રજા તાત્કાલિક અસરથી રદ્દ કરી દેવામાં આવી છે. ઑર્ડિનેંસ ફેક્ટરી ચંદા તરફથી જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં જણાવવામાં આવ્યું છે કે, મ્યૂનિશંસ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન તથા મેનેજમેન્ટ આ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તમામ પ્રકારની રજા રદ્દ કરવામાં આવી છે. તમામ કર્મચારીએ કોઈ પણ વિલંબ વગર ડ્યુટી પર તાત્કાલિક હાજર થવું જરૂરી છે. આ ઉપરાંત આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તમામ કર્મચારીએ આ મહત્ત્વપૂર્ણ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય જરૂરિયાત અનુરૂપ ઉપસ્થિતિ અને યોગદાન આપવું જશે. કેટલીક જરૂરી પરિસ્થિતિમાં જ છૂટ આપવામાં આવશે.
આ પણ વાંચો….ભારત સરકારનું મોટું પગલું; IMF બોર્ડમાં ભારતીય અધિકારીને બરતરફ કરવામાં આવ્યા