હવે અધીર રંજને ઈડીને મૂર્ખ કહીને ફરી મમતા સરકાર પર તાક્યું નિશાન
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભ્યના ઘરે રેડ પાડવા ગયેલા ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના અધિકારીઓ પર હુમલાની ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ આ મામલે જે રીતે કૉંગ્રેસ પોતાના ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષની ટીકા કરી રહી છે તે જોતા ગઠબંધન ડામાડોળ હાલમાં હોવાનું જણાઈ રહ્યું છે.
કૉંગ્રેસના નેતા અધીર રંજન સતત આ મામલે મમતા સરકારની ટીકા કરી રહ્યા છે. ફરી તેમણે ઈડીને મૂર્ખ કહેવાની સાથે મમતા સરકારની પણ ટીકા કરી છે ત્યારે કૉંગ્રેસ અને તૃણમુલ કૉંગ્રેસ એક સાથે લોકસભાની ચૂંટણી કઈ રીતે લડશે તે સવાલ છે.
પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિરોધ પક્ષોના નિશાના પર છે. જ્યારે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ઈડી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને ઈડીને મૂર્ખ ગણાવી હતી. ટીમ પર હુમલા પછી EDએ TMC નેતા શાહજહાં શેખ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. જ્યારે અધીર રંજન ચૌધરીને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ઈડી શું કરશે? ઈડી પોતે જ મૂર્ખ છે. બંગાળમાં સત્તાધારી પક્ષ તેમનું ધ્યાન રાખશે. સત્તાધારી પક્ષ પક્ષમાં ખતરનાક લોકોને બચાવવાનું કામ કરે છે. આમ કહી તેમણે ઈડી અને પશ્ચિમ બંગાળ સરકાર બન્નેની ટીકા કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, તેમણે મમતાની સરકારે કેરિંગ સરાકર એટલે કે આવા અપરાધીઓની સંબાળ રાખતી સરકાર કહી હતી અને જણાવ્યું હતું કે જો આ કેરિંગ સરકાર છે તો લુકઆઉટ સર્ક્યુલરનો શું ઉપયોગ? કોઈએ મોટા મોટા દાવાઓ ન કરવા જોઈએ. ભાજપ હોય, ઇડી હોય કે સીબીઆઇ હોય.
ભાજપ રોહિંગ્યાના નારા લગાવે છે. આટલા સમયે તેઓ ક્યાં હતા અને ગૃહ મંત્રાલય ક્યાં હતું? હવે આ મામલો હેડલાઇન્સમાં છે ત્યારે તેઓએ ધ્રુવીકરણની રાજનીતિ શરૂ કરી છે. તેઓએ સંભાળ રાખનારાઓ સામે કંઈક કરવું જોઈએ, તેવી ટીકા પણ તેમણે કરી હતી.
તે જ સમયે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે અધિકારીઓને મુખ્ય આરોપી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવા તેમજ આતંકવાદીઓ સાથે તેના કથિત સંબંધોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચિંતા વ્યક્ત કરતા બોસે કહ્યું હતું કે ટીએમસી નેતાએ કદાચ હદ પાર એટલે કે સરહદ પાર કરી હશે.
શેખના આતંકવાદીઓ સાથેના કથિત સંબંધો અંગે રાજ્યપાલની ટિપ્પણીની રવિવારે શાસક ટીએમસી દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. શનિવારે મોડી રાત્રે રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ મળ્યા બાદ રાજ્યપાલે પોલીસ વડાને ગુનેગારની તાત્કાલિક ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે.