બિહારની છ રાજ્યસભા બેઠકની ચૂંટણી માટે બહાર પાડવામાં આવ્યું જાહેરનામું
પટણાઃ બિહારની છ રાજ્યસભા બેઠક પર ચૂંટણી માટે ચૂંટણી પંચે ગુરૂવારે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ છ બેઠકો પર સાંસદોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઇ રહ્યો છે. આ સાથે રાજ્યસભાના દ્વિવાર્ષિક ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે.
નામાંકન પત્ર દાખલ કરવાની પ્રક્રિયા ૧૫ ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ જશે. આ અડધો ડઝન બેઠકોમાંથી ત્રણ-ત્રણ રાજ્યના સત્તારુઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(એનડીએ) અને મહાગઠબંધન પાસે છે. જનતા દળ-યુનાઇટેડ(જેડીયુ)ના પ્રમુખ મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા તાજેતરમાં પક્ષ બદલાવાના કારણે મહાગઠબંધન હાલમાં રાજ્યમાં વિપક્ષની ભૂમિકામાં છે.
જે સાંસદોનો વર્તમાન કાર્યકાળ સમાપ્ત થવા જઇ રહ્યો છે તેમાં વશિષ્ઠ નારાયણ સિંહ અને અનિલ હેગડે(જેડીયુ), સુશીલ કુમાર મોદી(બીજેપી), મનોજ કુમાર ઝા અને અશફાક કરીમ(આરજેડી) અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહનો સમાવેશ થાય છે. રાજ્યસભા સીટ માટે ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થશે. પરંપરા અનુસાર સવારે ૯ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે તે જ દિવસે સાંજે ૫ વાગ્યાથી મતગણતરી થશે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની આગેવાની હેઠળના એનડીએના ત્રણ ઉમેદવાર સરળતાથી રાજ્યસભામાં ચૂંટાઇ શકે છે.
બિહારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી આ વખતે તેની શ્રેષ્ઠ સંખ્યાત્મક તાકાતને ધ્યાનમાં રાખીને બે ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. જ્યારે સહયોગી જેડીયુને એક બેઠક જીતવામાં મદદ કરશે. વર્ષ ૨૦૧૮ની છેલ્લી દ્વિવાર્ષિક ચૂંટણીમાં તત્કાલિન વરિષ્ઠ ભાગીદાર જેડીયુને બે બેઠકો મળી હતી. જ્યારે ભાજપને એક બેઠક મળી હતી.