નવી દિલ્હી: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ધારાસભ્યોની ચૂંટણી જીત્યા બાદ સંસદ સભ્યપદેથી રાજીનામું આપનારા ભાજપના સાંસદોને દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના સાંસદ સી.આર. પાટીલની આગેવાની હેઠળની લોકસભાની હાઉસિંગ કમિટીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રેણુકા સિંહ સહિત સંસદમાંથી રાજીનામું આપનારા તમામ સાંસદોને દિલ્હીમાં તેમના સરકારી મકાનો ખાલી કરવા નિયમ મુજબ નોટિસ આપી છે.
નિયમો અનુસાર, લોકસભાની હાઉસિંગ કમિટીએ તેમને 30 દિવસમાં સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ આપી છે. ત્રણ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો ઉપરાંત રાકેશ સિંહ, રીતિ પાઠક, મહંત બાલકનાથ, રાવ ઉદય પ્રતાપ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી, અરુણ સાઓ અને ગોમતી સાઈ, જેમણે સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, તેમને પણ સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.
આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને રેણુકા સિંહના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. આ ત્રણેય મંત્રીઓ તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. રાજીનામું સ્વીકારતાની સાથે જ રાષ્ટ્રપતિ મુર્મુએ આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીના લ્યુટિયન ઝોનમાં ટાઇપ 6 થી ટાઇપ 8 સુધીના સરકારી બંગલા સાંસદો, કેન્દ્રીય પ્રધાનો અને રાજ્ય કક્ષના પ્રધાનોને ફાળવવામાં આવે છે. કયા સાંસદને કયા પ્રકારનો બંગલો મળશે તે તેની વરિષ્ઠતા પર નિર્ભર કરે છે. નિયમ એવો છે કે જો કોઈ સાંસદ રાજીનામું આપે તો તેણે નોટિસ મળ્યાના 30 દિવસની અંદર બંગલો ખાલી કરવાનો હોય છે. જો કે, 30 દિવસની નોટિસ પછી પણ સંબંધિત સાંસદો તે બંગલામાં થોડો સમય રહી શકે છે, પરંતુ આ માટે તેમણે બજાર કિંમતના દરે ભાડું ચૂકવવું પડે છે.