નવી દિલ્હી: દિલ્હીના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમી અને લૂના કારણે લોકોની હાલત કફોડી બની છે. શહેરના મુંગેશપુરમાં સૌથી વધુ તાપમાન 48.3 ડિગ્રી નોંધાયું હતું. ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદ પર આ દિવસોમાં અત્યંત ગરમી છે. ગરમીનો અહેસાસ એવો થાય છે કે જાણે સૂર્ય આકાશમાંથી આગ વરસાવી રહ્યો હોય. રાજસ્થાનના જેસલમેર નજીક ભારત-પાક બોર્ડર પર તાપમાન 55 ડિગ્રીને પાર કરી ગયું છે. આ કાળઝાળ ગરમીમાં સીમા સુરક્ષા દળના જવાનો અને મહિલા સૈનિકો દેશની સુરક્ષા માટે સરહદો પર દિવસ-રાત ફરજ પર તૈનાત છે.
સમગ્ર રાજસ્થાન આ દિવસોમાં ભારે ગરમી અને હીટ વેવની ઝપેટમાં છે. આ દિવસોમાં રાજસ્થાનમાં ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ સરહદે આવેલા વિસ્તારોમાં જાણે આકાશમાંથી આગ વરસી રહી છે અને રેતી પણ આગની નદી બની ગઈ છે. ભારત-પાક બોર્ડર પર તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે અને આ સિઝનમાં પણ સીમા સુરક્ષા દળના પુરુષ અને મહિલા સૈનિકો દેશની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજસ્થાનના મોટાભાગના ભાગો અને દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના વિસ્તારોમાં તીવ્ર ગરમીની આગાહી કરવામાં આવી છે. IMDનો અંદાજ છે કે ગરમીની લહેર ગુજરાત, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, જમ્મુ વિભાગ અને હિમાચલ પ્રદેશને પણ અસર કરશે.
IMD એ દિલ્હી અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં હીટ વેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આ રાજ્યોમાં હવામાન સામાન્ય રીતે સ્વચ્છ રહેશે. કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે અને આ દરમિયાન પવનની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
આ ઉપરાંત વિદર્ભ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ વિભાગ માટે હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે 28 મે સુધી દિલ્હીમાં આકરી ગરમી રહેશે.