
ગુવાહાટી: દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતમાં પ્રવેશી ચુક્યું છે. કેરળથી મહારાષ્ટ્ર સુધીના રાજ્યોના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેશના ઉત્તરપૂર્વના રાજ્યોમાં ચોમાસા પહેલા વરસી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી (Flood in North eastern states) થઇ છે. હિમાલયન રાજ્યોમાં ભૂસ્ખલનને કારણે વિનાશ સર્જાયો છે. આસામથી મણીપુર સુધી અત્યાર સુધી 28 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, આ ઉપરાંત હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે હજુ પણ વરસાદની ચેતવણી જાહેર કરી છે.
અરુણાચલ પ્રદેશ અને આસામમાં તારાજી:
શુક્રવારે રાત્રે અરુણાચલ પ્રદેશમાં નેશનલ હાઈવે 13 પર ભૂસ્ખલનમાં સાત લોકોના મોત થયા હતા. ભૂસ્ખલન સંબંધિત બીજી ઘટનામાં, નીચલા સુબાનસિરી જિલ્લામાં બે લોકોના મોત થયા હતા.
આસામના કુલ 12 જિલ્લાઓ પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે. ગુવાહાટી શહેરમાં પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. બોંડામાં ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત થયા હતા. ગઈ કાલે શનિવારે ગુવાહાટી અને કામરૂપ જિલ્લામાં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી અને રાજ્ય સરકારે કર્મચારીઓ માટે સ્પેશીયલ કેઝ્યુઅલ લીવની રજા જાહેર કરી છે. ગોલાઘાટ અને લખીમપુર જિલ્લામાં પૂર સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા.
મિઝોરમ, મણિપુર અને મેઘાલયમાં હાલત ખરાબ:
શનિવાર બપોર સુધીમાં મિઝોરમ સ્ટેટ ડિઝાસ્ટર રીસપો ફોર્સ(SDRF) એ રાજ્યભરમાં 113 સ્થળોએ ભૂસ્ખલનની જાણ કરી હતી, જેમાં પાંચ લોકોના મોતના અહેવાલ છે. મેઘાલય SDRF એ પણ છેલ્લા બે દિવસમાં રાજ્યમાં છ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
મણિપુરમાં ઇમ્ફાલ નદી કાંઠા તોડીને વહી રહી છે. જેના કારણે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાનો મોટો વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. સેનાપતિ, ઉખરુલ, તામેંગલોંગ, નોની અને ફર્ઝાવલ જેવા પહાડી જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ પૂર અને ભૂસ્ખલન થયું હતું. SDRF અનુસાર, 277 ને રેક્યું કરવામાં આવ્યા છે અને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે, અન્ય અસરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડવામાં આવી રહી છે.



