કોણ કહે છે દહેજની સમસ્યા હવે રહી નથી? નોઈડાનો કિસ્સો જાણશો તો હચમચી જશો
નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ આગળ આવી રહી છે અને તેમની સ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે, તેવી વાતો આપણે સાંભળીયે છીએ. મહિલાઓ શિક્ષિત અને સ્વનિર્ભર બનતી જાય છે તે વાત સાચી, પરંતુ હજુ દહેજ, જાતીય મતભેદ, જાતીય સતામણી, પારિવારિક હિંસા જેવા ઘણા પ્રશ્નો છે જે વધારે વિકટ બન્યા છે અથવા તો એક યા બીજા સ્વરૂપે સામે આવી રહ્યા છે. દહેજ આવી જ એક સમસ્યા છે, જે સમાજમાં હજુ એટલી જ પ્રવર્તે છે.
નોઈડામાં બનેલો કિસ્સો આની સાબિતી છે. દેશની રાજધાની નજીક આવેલા ગ્રેટર નોઈડામાં કરિશ્મા નામની એક યુવતી લગ્નના બે વર્ષમાં જ દહેજના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. આ યુવતીના સાસરાવાળાએ રૂ. 21 લાખ અને એક ફોરચ્યુનર કારની માગણી કરી હતી, જે યુવતીના પરિવારજનો પૂરી કરી શક્યા નહીં.
યુવતીના ભાઈ દીપકે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર વર્ષ 2022માં કરિશ્માના લગ્ન વિકાસ નામના યુવક સાથે થયા હતા અને તે વિકાસના પરિવાર સાથે નોઈડામાં રહેતી હતી. લગ્ન સમયે તેમણે દહેજમાં રૂ. 11 લાખ રોકડા અને એક કાર આપી હતી, પરંતુ સાસરાવાળાએ કરિશ્માને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ફોરચ્યુનર કાર અને રૂ. 21 લાખની માગણી કરતા હતા. આ બધા વચ્ચે કરિશ્મા ગર્ભવતી બની અને તેણે દીકરીને જન્મ આપ્યો. દીકરીને જન્મ આપ્યો હોવાને કારણ પણ તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
બે ત્રણ દિવસ પહેલા કરિશ્માએ પરિવારને ફોન કર્યો હતો સાસુ, સસરા, નણંદ, પતિ બધાએ તેને બહુ માર માર્યો હોવાનું કહ્યું હતું. બીજા દિવસે તેના માતા-પિતા અને ભાઈ તેના સાસરે ગયા ત્યારે કરિશ્મા મૃત્યુ પામી હતી. પોલીસે વિકાસ અને તેના પિતાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીને શોધી રહી છે.
દુઃખની વાત એ પણ છે કે જ્યારે દીકરી પોતાના માતા-પિતાને ફરિયાદ કરે છે કે તેને સાસરામાં માનસિક-શારીરિક ત્રાસ આપાવમાં આવે છે, ત્યારે તેઓ પોલીસ ફરિયાદ કેમ નથી કરતા અને દીકરીને આવા સંબંધોમાંથી બહાર નીકળી જવાની હિંમત કેમ નથી આપતા?