નોઇડા દહેજ હત્યા કેસ: ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપી પતિને પોલીસે ગોળી મારી…

નોઇડા: ઉત્તર પ્રદેશના નોઈડામાં દહેજ માટે સાસરિયાઓએ 28 વર્ષીય મહિલાની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો (Noida dowry murder case) છે. આ મામલે પોલીસે મૃતક મહિલા નિક્કીના પતિ વિપિન ભાટીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ વિપિને આજે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન તેને પગમાં ગોળી મારવામાં આવી (Accused shot in leg) હતી.
પોલીસના જણાવ્યા મુજબ, જેનાથી જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું એ રિકવર કરવા માટે આરોપી વિપિનને પોલીસ વાનમાં લઇ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે એક અધિકારી પાસેથી પિસ્તોલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
તે સિરસા ચૌરાહા નજીક કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો, પોલીસે તેને ચેતવણી આપી, ત્યાર બાદ પોલીસે ગોળીબાર કર્યો અને એક ગોળી તેના પગમાં વાગી.
આરોપીને કોઈ પસ્તાવો નહીં!
અહેવાલ મુજબ ધરપકડ બાદ વિપિને કહ્યું કે તેને કોઈ પસ્તાવો નથી થઇ રહ્યો. તેણે કહ્યું “મને કોઈ પસ્તાવો નથી. મેં તેની હત્યા નથી કરી, તે જાતે જ મરી ગઈ. પતિ-પત્ની વચ્ચે ઘણીવાર ઝઘડા થાય છે. તે ખૂબ જ સામાન્ય છે.”
પોલીસના જણાવ્યા મુજબ આ મામલે ટૂંક સમયમાં જ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવશે.
પોલીસ ફરિયાદ મુજબ નોઈડાના સિરસા ગામમાં નિક્કીને તેના પતિ વિપિન અને સાસરિયાઓએ મળીને માર માર્યો હતો અને તેને આગ લગાડી દીધી હતી. નિક્કીની બહેન કંચનના લગ્ન પણ વિપિનના મોટા ભાઈ સાથે થયા હતાં. પરિવારે જણાવ્યું કે દહેજ માટે બંને બહેનો પર ત્રાસ ગુજારવામાં આવતો હતો.
પોલીસ ફરિયાદમાં કંચને જણાવ્યા મુજબ ગત ગુરુવારે સાંજે 5.30 વાગ્યે વિપિને તેની માતા દયા, પિતા સત્યવીર અને ભાઈ રોહિત સાથે મળીને નિકી પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેને આગ લગાવી દીધી, જેના કારણે તેનું મોત નીપજ્યું.
ગંભીર રીતે ગાઝેલી નિક્કીને ફોર્ટિસ હોસ્પિટલમાં જવામાં આવી હતી, જ્યાંથી તેને સફદરજંગ રિફર કરવામાં આવી. રસ્તામાં જ નિકીનું મોત નીપજ્યું.
આ પણ વાંચો…દહેજ માટે સાસરિયા બન્યા હેવાન: દીકરા અને બહેન સામે મહિલાને જીવતી સળગાવી