લોકો જેમને પ્રેમથી ‘Monk in business suit’કહેતા હતા એવા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ તેમના વારસદાર મળી ગયા છે. એવા અહેવાલ છે કે નોએલ ટાટાને તેમના સ્વર્ગીય સાવકા ભાઈ રતન ટાટાના સ્થાને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોએલ ટાટાને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. હવે તેમને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેઓ છેલ્લા કેટલાક વર્ષથી ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન પણ છે. તેઓ ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપનીઓના ચેરમેન પણ છે. તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન પણ છે. આ ઉપરાંત તેઓ ટાટા ઇકોસિસ્ટમ સાથે પણ સંબંધ ધરાવે છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાનું 09 ઓક્ટોબર, 2024ની રાત્રે 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું.
ટાટા સન્સ પ્રા. લિ. એ ટાટાની અન્ય વિવિધ કંપનીઓ માટે મુખ્ય ખાનગી હોલ્ડિંગ કંપની છે અને ટાટા ટ્રસ્ટ તેમાં 66 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા જૂથ ટાટા ટ્રસ્ટ હેઠળ કામ કરે છે.
નોએલ ટાટાની વાત કરીએ તો તેઓ પણ લાઇમલાઇટમાં આવ્યા વગર શાંતિથી તેમનું કામ કર્યે જાય છે. ઉદ્યોગપતિ ખાનદાનના વારસ હોવાથી ધંધાકીય નિપુણતા અને કૌશલ્ય તો તેમને વારસામાં જ મળેલા છે. ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 2010થી 2021 વચ્ચે કંપનીની આવક વધારીને 3 બિલિયન ડૉલર સુધી પહોંચાડવામાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી છે.
Also Read –