નેશનલ

મનીષ સિસોદિયાને રાહત નહીં, સુપ્રીમ કોર્ટે જામીન આરજી ફગાવી

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સોમવારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે સુનાવણી કરી હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી અને સિસોદિયા સામેના કેસો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. મનીષ સિસોદિયા કથિત દારૂ કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સિસોદિયાએ તેમની વિરુદ્ધ બે અલગ-અલગ કેસમાં જામીન માંગ્યા છે. તેમાંથી એક કેસ સીબીઆઈ દ્વારા અને બીજો કેસ ઈડી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાનની જામીન અરજી ફગાવી દીધી છે. જો કે, કોર્ટે નિર્દેશ આપ્યો છે કે મનીષ સિસોદિયા સામેના કેસ 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવે. જો ટ્રાયલ પ્રક્રિયા ધીમી રહેશે, તો સિસોદિયા ત્રણ મહિનામાં ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.

મનીષ સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. છેલ્લી સુનાવણીમાં સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે તેમના અસીલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમને આ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં તેને આરોપી બનાવવામાં આવ્યા છે.

કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં સિસોદિયાઉપરાંત ઇડીએ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ તેના નેતાઓ પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button