UCC મુદ્દે ચિંતા કરવાનું જરુરી નથીઃ કેન્દ્રીય કાયદા પ્રધાનની સ્પષ્ટતા

કોલકાતાઃ કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે રવિવારે યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code)ના અમલીકરણની આશા વ્યક્ત કરતા કહ્યું કે કેટલાક રાજ્યોએ તેનો અમલ શરૂ કરી દીધો છે. મેઘવાલે અહીં ‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વહીવટમાં ભારતના પ્રગતિશીલ માર્ગ’ પર એક કોન્ફરન્સમાં બોલતા આ ટિપ્પણી કરી હતી.મેઘવાલે આજે કહ્યું કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના મેનિફેસ્ટોમાં અમે સમાન નાગરિક સંહિતા (UCC)નો ઉલ્લેખ કર્યો છે.
ગોવા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ તેનો અમલ શરૂ કરી દીધો છે. કેન્દ્રમાં બનેલી ગઠબંધન સરકાર ખૂબ જ મજબૂત સરકાર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.ગયા અઠવાડિયે જ્યારે બિકાનેરના સાંસદ મેઘવાલે કહ્યું હતું કે સમાન નાગરિક સંહિતા હજુ પણ ભાજપના એજન્ડામાં છે, તો એનડીએના સાથી જેડી(યૂ) એ કહ્યું હતું કે આવું કોઈપણ પગલું ફક્ત સર્વસંમતિથી લેવામાં આવવું જોઈએ. જેડી(યુ)ના નેતા કે. સી. ત્યાગીએ કહ્યું હતું કે પાર્ટી યુસીસીની વિરુદ્ધ નથી પરંતુ તે ઇચ્છે છે કે આ પગલું સર્વસંમતિથી લેવામાં આવે.
કેન્દ્રીય કાયદા પ્રધાને પશ્ચિમ બંગાળમાં કથિત મતદાન પછીની હિંસાની ઘટનાઓની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમના વિશે સતર્ક છે. તેમણે કહ્યું કે ચૂંટણી પછી આવી હિંસા ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે સારી નથી. મેઘવાલે કહ્યું, “ચૂંટણીઓ લોકશાહીનો મહત્વનો ભાગ છે. ચૂંટણી પૂરી થયા પછી કોઈપણ પ્રકારની હિંસા થવી જોઈએ નહીં.
આ (બંગાળમાં મતદાન પછીની હિંસા) અમારી જાણકારીમાં છે અને કેન્દ્ર સરકાર પણ તેનાથી વાકેફ છે. દેશમાં કાયદાનું શાસન છે, હિંસા લોકશાહી માટે સારી નથી.ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં કથિત રાજકીય હિંસાની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. પાર્ટીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર મૂક પ્રેક્ષક રહેવાનો આરોપ લગાવ્યો હતો.