ઓડિશામાં ચક્રવાત ‘દાના’થી જાનહાનિ નહીં, પણ આટલા લાખ લોકો પ્રભાવિત
ભુવનેશ્વરઃ ઓડિશામાં કુલ ૩૫.૯૫ લાખ લોકો ચક્રવાત દાના અને ત્યાર બાદ ૧૪ જિલ્લાઓમાં આવેલા પૂરથી પ્રભાવિત થયા હતા. આ માહિતી મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સુરેશ પૂજારીએ આપી હતી.
પૂજારીએ પત્રકારોને જણાવ્યું હતું કે ૮,૧૦,૮૯૬ લોકોને ૬,૨૧૦ ચક્રવાત રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રપારા, બાલાસોર અને ભદ્રકનો સમાવેશ થાય છે, જ્યારે માનવ જાનહાનિની સંખ્યા હજુ પણ શૂન્ય છે.
પ્રધાને કહ્યું હતું કે આજે સવારે ૧૦-૩૦ વાગ્યા સુધીમાં સ્થળાંતર કરનારાઓને ૧,૧૭૮ ચક્રવાત રાહત કેન્દ્રોમાં આશ્રય આપવામાં આવ્યો હતો અને તેઓને રાંધેલો ખોરાક અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આપણ વાંચો: Cyclone Dana: દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ઓડિશામાં શાળા બંધ રાખવાનો આદેશ
આપત્તિમાં ઘર ગુમાવનારા લોકોને પોલીથીન શીટ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે શુક્રવારે સવારે ત્રાટકેલા ચક્રવાત દાનાએ ૧૪ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૦૮ બ્લોક હેઠળની ૧,૬૭૧ પંચાયતોના લોકોને પ્રભાવિત કર્યા છે.
પૂજારીએ કહ્યું કે પ્રારંભિક અહેવાલો અનુસાર ચક્રવાત અને ત્યાર પછી આવેલા પૂરના કારણે લગભગ ૫,૮૪૦ ઘરોને સંપૂર્ણ અથવા આંશિક નુકસાન થયું છે. ચક્રવાતને પગલે પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ટીમ નુકસાનનું મૂલ્યાંકન કરવા ઓડિશાની મુલાકાત લઇ શકે છે.