‘દાના’ વાવાઝોડાને કારણે જાનહાનિ નહીંઃ ઝીરો કેઝ્યુઅલ્ટીનો ઓડિશાના સીએમનો દાવો
ભુવનેશ્વરઃ ઓડિશાએ તેનું ‘ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન’ હાંસલ કરી લીધું છે કારણ કે ગુરૂવારે રાત્રે દરિયાકાંઠે ત્રાટકેલા ભીષણ ચક્રવાતી વાવાઝોડા દાનામાં કોઇ જાનહાનિનું નુકસાન કે ઘાયલ થયાના અહેવાલ નથી. આ દાવો રાજ્યના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ કર્યો હતો.
ચક્રવાતની સ્થિતિની સમીક્ષા કરનાર માઝીએ જાહેરાત કરી હતી કે આ આપદામાં કોઇપણ માનવ જાનહાનિ થઇ નથી. કોઇ પણ માનવના મૃત્યુના અહેવાલ નથી. બધાના સહકારથી અમારું શૂન્ય જાનહાનિ મિશન સફળ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમની રચના પહેલા ઓડિશા સરકારે શૂન્ય જાનહાનિનું લક્ષ્ય નક્કી કર્યું હતું અને તૈયારીના પહેલા દિવસથી જ તે દિશામાં કામ કર્યું હતું. તેમણે કહ્યું કે લગભગ છ લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા હતા. પરિણામે અમૂલ્ય માનવ જીવન બચી ગયા હતા.
મુખ્ય પ્રધાને પ્રધાનો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ, એનડીઆરએફ, ઓડીઆરએએફ, ફાયર સર્વિસ, ઓડિશા પોલીસ, સામાજિક કાર્યકરો, મીડિયા અને અન્ય સહિત તમામ હિતધારકોનો આભાર માનતા કહ્યું કે ભગવાન જગન્નાથની કૃપા અને સૌના સહયોગથી સરકાર માનવ જીવન બચાવવામાં સફળ રહી છે.