બિહારમાં રાજકીય ઉથલપાથલના એંધાણ, વિધાનસભા ભંગ કરી શકે છે નીતીશ કુમાર

પટણા: બિહારની રાજનીતિમાં ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. નીતીશ કુમાર RJD સાથેના સંબંધો તોડવાની અટકળો વચ્ચે, લાલુ કેમ્પે 122ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે વધુ 8 ધારાસભ્યોને જોડવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં 243 બેઠકોની વિધાનસભામાં બેઠકોનું ગણિત કંઈક આ પ્રકારનું છે. જો RJD+કોંગ્રેસ+લેફ્ટની સીટો જોડવામાં આવે તો સંખ્યા 79+19+16 એટલે કે 114 થાય છે. સ્પષ્ટ છે કે બહુમત માટે 8 ધારાસભ્યોની અછત છે. સૂત્રોનું માનીએ તો લાલુ કેમ્પ આ 8 ધારાસભ્યોને આકર્ષવામાં વ્યસ્ત છે. તે જ સમયે, નીતીશ કુમાર JDUના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે.
સત્તા મેળવવા માટે બેઠકોના સમીકરણની વાત કરીએ તો જીતન રામ માંઝીની પાર્ટી HAM પાસે 4 ધારાસભ્યો છે. AIMIM પાસે 1 ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્ય (સુમિત સિંહ) છે. જો લાલુ તેમને પણ લઈ લે તો સંખ્યા 120 થઈ જાય છે. લાલુને હજુ 2 ધારાસભ્યોની જરૂર છે. તે જ સમયે, સીએમ હાઉસ બાદ રાબડી આવાસમાં પણ ધમાલ વધી ગઈ છે. તેમના નજીકના સહયોગી ભોલા યાદવ અને શક્તિ સિંહ યાદવ લાલુને મળવા માટે રાબડીના ઘરે પહોંચ્યા છે. તેમના સિવાય કેટલાક અન્ય ધારાસભ્યો પણ આવી રહ્યા છે.
આ રાજકીય ઉથલપાથલ વચ્ચે બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેમના સિવાય અશ્વિની ચૌબે પણ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે કેસી ત્યાગી, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, સમ્રાટ ચૌધરી ઈન્ડિગોની ફ્લાઈટ 6e 2483થી દિલ્હી જવા રવાના થયા હતા.
આ રાજકીય ઉથલપાથલ વચ્ચે JDU MLC ખાલિદ અનવરે નીતીશની નિરાશાની અફવાઓને નકારી કાઢી હતી. તેમજ દાવો કર્યો કે નીતીશ કુમારના નેતૃત્વમાં રાજ્ય સરકાર સારું કામ કરી રહી છે. JDU અને RJD વચ્ચે વધી રહેલા અંતર વચ્ચે નીતીશે તાજેતરમાં RJD ક્વોટામાંથી ત્રણ મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરબદલ કર્યો હતો. બીજી તરફ જનતા દળ યુનાઈટેડ દ્વારા તેના તમામ ધારાસભ્યોને આગામી કેટલાક દિવસો સુધી પટનામાં જ રહેવા માટે કહ્યું હતું. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી જીતેન માંઝીએ પણ પોતાના તમામ ધારાસભ્યોને 25 જાન્યુઆરી સુધી પટનામાં જ રહેવાનો નિર્દેશ આપ્યો હતો.