નીતિશ કુમારના ફરી પલટી મારવાની તૈયારીમાં! JDU આ રાજ્યમાં ભાજપને આપેલો ટેકો પાછો ખેંચ્યો

નવી દિલ્હી: ભારતના રાજકરણમાં ફરી મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે, નીતિશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ યુનાઇટેડ (JDU) એ આજે બુધવારે મણિપુરમાં ભાજપની આગેવાની હેઠળની સરકારમાંથી ટેકો પાછો (JDU withdrew support BJP in Manipur) ખેંચી લીધો. ટેકો પાછો ખેંચીને નીતિશ કુમારે બિરેન સિંહની સરકારને મોટો ઝટકો આપ્યો છે, જો કે મણીપુર વિધાનસભામાં ભાજપ પાસે પૂર્ણ બહુમત છે, સરકારને જોઈ જોખમ નથી. ટેકો પાછો ખેંચીને નીતિશ કુમારે રાજકારણમાં ચર્ચા જગાવી છે.
ભાજપ માટે મોટો ઝટકો:
60 બેઠકોવાળી મણીપુર વિધાનસભામાં ભાજપ પાસે 32 બેઠકો છે, જે બહુમતી કરતા વધારે છે, પરંતુ 6 વિધાનસભ્યો ધરવતી JDUએ ભાજપને ટેકો આપ્યો હતો. પરંતુ હવે નીતિશ કુમારની પાર્ટીએ ભાજપ સરકારથી અલગ થવાનો નિર્ણય લીધો છે. છેલ્લા બે વર્ષથી રાજ્યમાં આશાંતિનો માહોલ છે અને કાયદો અને વ્યવસ્થાને અંગે ભાજપ સરકાર દબાણ હેઠળ છે, એવામાં ભાજપ માટે આ એક મોટો ઝટકો છે.
60 બેઠકો વાળી રાજ્યની વિધાનસભામાં ભાજપ 32 બેઠકો સાથે સત્તામાં છે, જ્યારે NPF પાસે 5 અને NPP પાસે 7 બેઠકો છે, JDU પાસે 6 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસ પાસે 5 બેઠકો છે, KPA પાસે 2 વિધાનસભ્યો છે.
શું છે નીતિશનો ઈરાદો?
JDUએ ટેકો પાછો ખેંચી લેવાથી ભાજપ સરકારને કોઈ જોખમ નથી પણ તેની દૂરગામી અસર થઇ શકે છે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. લોકસભામાં પણ JDUએ NDA સરકારને મહત્વપૂર્ણ સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં, નીતિશે ભાજપ પર સીટ વહેંચણી માટે દબાણ બનાવવાની રણનીતિ તરીકે આ પગલું ભર્યું હોઈ શકે છે.