
પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દરભંગામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કરીને બધાને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં 73 વર્ષીય નીતીશ કુમાર 74 વર્ષના પીએમ મોદી તરફ હાથ જોડીને ચાલતા જોવા મળ્યા પછી તેમણે પીએમ મોદીની નજીક પહોંચીને તેમના ચરણ સ્પર્શ કરવા ઝૂક્યા હતા. જોકે, એ સમયે પીએમ મોદી તેમને ચરણ સ્પર્શ કરતા અટકાવ્યા હતા અને તેમની સાથે હાથ મિલાવતા જોવા મળે છે.
જો કે આ પહેલીવાર નથી જ્યારે નીતીશ કુમારે આવું કર્યું હોય. આ પહેલા પણ તેઓ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી ચૂક્યા છે. જ્યારે દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી ત્યારે બિહારના સીએમ નીતીશ કુમારે પીએમ મોદીના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે મોદીએ તેમને પકડી લીધા હતા.
Also Read – ‘ભારતનો કોઈ ફાયદો નથી’, PM મોદી અને ટ્રમ્પની મિત્રતા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
જોકે, આને લઈને નીતીશ કુમારને બિહારના વિપક્ષી નેતાઓની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે આ વર્ષે એપ્રિલમાં નવાદામાં લોકસભા ચૂંટણીની રેલીમાં પણ પીએમ મોદીના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો શેર કરીને આરજેડીએ નીતીશ કુમારની ટીકા કરી હતી.
જ્યારે પીએમ મોદી બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે સીએમ નીતીશ કુમાર પણ તેમની સાથે હતા. પીએમ મોદી જ્યારે નીતીશ કુમારની પાસે બેઠા હતા ત્યારે અચાનક નીતીશે તેમનો હાથ પકડીને આંગળી તપાસવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
દરભંગામાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ ભોજપુરી લોક ગાયિકા શારદા સિંહાને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ નીતીશ કુમારની પ્રશંસા કરતા કહ્યું હતું કે નીતીશ કુમારે બિહારમાં સુશાસન લાવીને ‘જંગલ રાજ’નો અંત આવ્યો છે. લાલુ પ્રસાદયાદવ પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે નીતીશ કુમાર પહેલા કોઇ સરકારને ગરીબોના સ્વાસ્થ્યની ચિંતા નહોતી. લોકસભા ચૂંટણી સમયે મેં લોકોને ખાતરી આપી હતી કે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ લાવવામાં આવશે અને મેં આ ગેરંટી પૂરી કરી છે