નીતીશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડ્યા પછી કોંગ્રેસે બળાપો ઠાલવ્યો, આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ નીતીશ કુમારે બિહારમાં મહાગઠબંધન સરકાર સાથે છેડો ફાડી રાજીનામું ધરી દીધું છે ત્યારે કૉંગ્રેસ સહિતના તમામ પક્ષોએ બળાપો કાઢ્યો છે. નીતિશનું આ પગલું લોકસભાની ચૂંટણી માટે વિપક્ષોના બનેલા ઈન્ડિયા મહાગઠબંધન માટે પણ મોટો ઝટકો છે.
નીતીશ કુમારે મહાગઠબંધન સાથેના સંબંધો તોડીને બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા કલાકો પછી તેઓ ભાજપ સાથે મળીને સરકાર બનાવશે. તેમના વારંવારના પક્ષપલટા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જ્યારે અમે તેજસ્વી અને લાલુજી સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે નીતીશજી મહાગઠબંધન છોડી શકે છે. તેથી તમારે અને મારે સાથે મળીને લડવું પડશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, દેશમાં ‘આયા રામ-ગયા રામ’ જેવા ઘણા લોકો છે. અગાઉ તે અને હું સાથે લડતા હતા. જ્યારે મેં લાલુજી અને તેજસ્વી જી સાથે વાત કરી તો તેઓએ પણ કહ્યું કે નીતીશ જઈ રહ્યા છે. જો તે રહેવા માંગતા હોત તો તેને રોક્યા હોત પરંતુ તે જવા માંગે છે. તેથી, અમે પહેલાથી જ આ જાણતા હતા. લાલુ પ્રસાદ યાદવ જી અને તેજસ્વી યાદવજીએ અમને પહેલા જ આ માહિતી આપી હતી. આજે વાત સાચી પડી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું બિહારના લોકો આ વિશ્વાસઘાતના નિષ્ણાતને અને તેમની ધૂન પર નાચનારાઓને માફ નહીં કરે. તેમણે એવો દાવો પણ કર્યો કે વડાપ્રધાન અને ભાજપ ભારત જોડો ન્યાય યાત્રાથી ડરી ગયા છે અને તેના પરથી ધ્યાન હટાવવા માટે આ રાજકીય નાટક રચવામાં આવ્યું છે. તે જ સમયે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પ્રિયંકા ચતુર્વેદી ચૂંટણી સમયે નીતિશ અને ભાજપના નેતા અમિત શાહે એકબીજા પર કરેલા આક્ષેપો અને નિવેદનોની યાદ અપાવી હતી. શિવસેનાના સંજય રાઉતે નીતીશનું માનસિક સ્વાસ્થ્ય ઠીક ન હોવાનું કહ્યું હતું.