INDIA ગઠબંધનથી નારાજગીના અહેવાલો અંગે નીતિશકુમારે આપ્યો આ જવાબ

બિહાર: સીએમ નીતિશકુમારે INDIA ગઠબંધન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. થોડા દિવસો પહેલા યોજાયેલી INDIA ગઠબંધનની બેઠક અને JDUમાં આંતરિક વિવાદ અંગે એક નીતિશકુમારે નિવેદન આપ્યું હતું કે “હું કોઇનાથી નારાજ નથી. અમારો પક્ષ એક છે. મેં પહેલા જ કહી દીધું હતું કે મારે કંઇ બનવું નથી, (મને હોદ્દાની અપેક્ષા નથી), મારે વિપક્ષને મજબૂત કરવાનો છે. ટૂંક સમયમાં જ બેઠકોની વહેંચણી પણ થઇ જશે.”
સીએમ નીતિશકુમાર પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 99મા જન્મજયંતિ નિમિત્તે પટના સ્થિત અટલ પાર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમણે અટલ બિહારી વાજપેયીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી હતી. સીએમ નીતિશકુમારે જણાવ્યું હતું કે અટલજી સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો રહ્યા છે અને તેમના વિચારોથી તેઓ ઘણા પ્રભાવિત પણ થયા છે.
આ પછી INDIA ગઠબંધનની દિલ્હીમાં યોજાયેલી બેઠક પર મહત્વનું નિવેદન આપતા સીએમ નીતિશકુમારે જણાવ્યું હતું કે બેઠકોને લઇને ફોર્મ્યુલા નક્કી થઇ જશે. અમુક મીડિયા અહેવાલોમાં એવી વાતો ફેલાવવામાં આવી છે કે હું નારાજ છું પણ એવું કઇ નથી. લોકો અલગ રીતે તેને રજૂ કરી રહ્યા છે. જૂના લોકો જાણતા હતા કે અમે તેમની સાથે સન્માનપૂર્વક જ વર્તન કર્યું છે. અમે દરેકનું સન્માન કરીએ છીએ.
આ સાથે જ પોતાના પક્ષ JDUમાં ચાલી રહેલા વિવાદો મુદ્દે નિવેદન આપતા નીતિશકુમારે જણાવ્યું હતું કે અમારા બધામાં એકતા છે જ. સૌ એકસાથે મળીને કામ કરી રહ્યા છે, અને આગળ પણ એક થઇને જ કામ કરે એવી અમારી ઇચ્છા છે, સીએમએ ઉમેર્યું હતું.