મમતા-ભગવંત માન બાદ નીતિશ કુમાર પણ નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં……
પટણા: સામાન્ય ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A બ્લોકમાં તિરાડ પડી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ખુલ્લેઆમ ‘એકલા ચલો’ની જાહેરાત કરી છે, ત્યારે બિહારમાં JDUના વડા નીતીશ કુમારના નિવેદનોને કારણે ગઠબંધનની રાજનીતિ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણકે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં ભાગ લે તેવી કોઈ શક્યતા નથી. રાહુલ ગાંધી 29 જાન્યુઆરીએ બિહારના પ્રવાસે જવાના છે. ત્યારે નીતીશ કુમાર આ યાત્રામાં ભાગ ન તે તો ગઠબંધનની તિરાડ વધી શકે છે. આમ જોઈએ તો મમતા બેનરજી અને ભગવંત માન બાદ હવે નીતીશ કુમાર પણ કોંગ્રેસથી અંતર બનાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર નીતીશ કુમાર તે દિવસે પટણામાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
પટણામાં આયોજિત કર્પૂરી જયંતિ સમારોહને સંબોધિત કરતી વખતે નીતીશ કુમારે કહ્યું હતું કે કર્પૂરી ઠાકુરજીએ ક્યારેય રાજકારણમાં તેમના પરિવારને પ્રોત્સાહન આપ્યું નથી, પરંતુ આજકાલ કેટલાક લોકો ફક્ત તેમના પરિવારને પ્રોત્સાહન આપી રહ્યા છે. નીતીશ કુમારે કોઈનું નામ તો નહોતું લીધું પરંતુ રાજકારણમાં વધી રહેલા ભાઈ-ભત્રીજાવાદ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમજ કર્પૂરી ઠાકુરજીને કેન્દ્ર સરકારે જે ભારત રત્ન આપ્યો તેના બે મોંઢે વખાણ પણ કર્યા હતા. અને ભારત રત્ન આપવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર પણ માન્યો હતો.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પણ બુધવારે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના ગઠબંધન વગર એકલા હાથે 13 બેઠકો પર લડશે. તેને કોઈ ગઠબંધનની જરૂર નથી. આ ઉપરાંત યુપીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની શરતો પર જ ગઠબંધનમાં આગળ વધશે. ઘણા રાજ્યોમાં સીટ વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોના નિશાના પર છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. હાલમાં મહાગઠબંધનની ચોથી બેઠકના એક મહિના બાદ પણ ફોર્મ્યુલા પર કોઈ સમજૂતી થઈ શકી નથી.
મહાગઠબંધનમાં સામેલ પક્ષોનું કહેવું છે કે તેમને પોતપોતાના રાજ્યોમાં નિર્ણય લેવાનો અધિકાર મળવો જોઈએ. તેમજ બેઠકોની વહેંચણી છેલ્લી ચૂંટણીના પરિણામોના આધારે થવી જોઈએ. જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસને મદદ કરવામાં આવશે. પરંતુ કોંગ્રેસ ફોર્મ્યુલાને લઈને ગંભીરતા દાખવી રહી નથી. પહેલા પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે સીટની વહેંચણી અંગે ચર્ચા થઈ ન હતી. હાતમાં ગઠબંધનમાં સ્થિતિ એવી છે કે એક પક્ષને મનાવીએ તો બીજી પાર્ટીના નેતા નારાજ થઈ જાય છે. ઉકેલ આવવાને બદલે ગઠબંધનમાં વધારે ને વધારે પ્રશ્ર્નો ઊભા થઈ રહ્યા છે. નોંધનીય છે કે મહાગઠબંધનમાં કુલ 28 પાર્ટીઓ છે.