સમગ્ર વિપક્ષને એક છત્ર હેઠળ લાવવામાં અને ઈન્ડિયા અલાયન્સની રચના કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમાર હવે ગઠબંધનથી દૂર ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 6 ડિસેમ્બરે ઈન્ડિયા અલાયન્સની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં બોલાવી છે.
ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ આ પ્રથમ બેઠક છે. દરેકની નજર આના પર છે. આવી સ્થિતિમાં સીએમ નીતીશ કુમાર આ બેઠકમાં હાજરી નહીં આપે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. યુપીના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ બેઠકમાં ભાગ ન લેવાના સંકેત આપી દીધા છે. આવી સ્થિતિમાં સૂત્રધારની ભૂમિકા નિભાવી રહેલા નીતીશ કુમારનું પણ આ બેઠકમાં ન આવવું ઘણું ચોંકાવનારું છે.
જેડીયુએ હજુ સુધી જોકે, સીએમ નીતીશ કુમારના ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજર રહેવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પણ JDUના નેતાઓનું કહેવું છે કે ડોક્ટરે સીએમ નીતીશ કુમારને આરામ કરવાની સલાહ આપી છે. તેમને વાયરલ તાવ હતો. હાલમાં તેમની તબિયત સારી નથી.
એટલા માટે તેઓ દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ અને જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝા આ બેઠકમાં હાજરી આપશે, જ્યારે આરજેડી તરફથી પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી પ્રસાદ યાદવ ભાગ લેશે.
હાલમાં જ્યારે ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કૉંગ્રેસની હાર થઇ ત્યારે JDUની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણીના પરિણામોને ઇન્ડિયા ગઠબંધન સાથે જોડશો નહી. ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન ક્યાંય નહોતું. માત્ર કોંગ્રેસ પાર્ટી જ ચૂંટણી લડી રહી હતી.
આ વિસ્તારોને કોંગ્રેસ પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. છેલ્લી ચૂંટણીમાં પણ આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની હતી. તેથી આ ભાજપની જીત અને કોંગ્રેસની હાર છે. તેનો ઈન્ડિયા ગઠબંધન સાથે કોઈ સંબંધ નથી. કોંગ્રેસે ચૂંટણી પહેલા પોતાના મતદારોથી દૂરી બનાવી લીધી હતી. હવે એ નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના દમ પર ભાજપને હરાવી શકે તેમ નથી.
Taboola Feed