બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમારે આ શું કર્યું? JDU પાર્ટીમાંથી 11 લોકોને… | મુંબઈ સમાચાર
નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમારે આ શું કર્યું? JDU પાર્ટીમાંથી 11 લોકોને…

પટનાઃ બિહારમાં અત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો છે. તેવામાં નીતિશ કુમારની પાર્ટીએ જેડીયુએ મોટી કાર્યવાહી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેડીયુ પાર્ટી વિરૂદ્ધ જઈને કામ કરતા 11 કાર્યકર્તાઓને પાર્ટીમાંથી કાઢી દેવામાં આવ્યાં છે. મહત્વની વાત તો એ છે કે, આ 11 લોકોમાં બિહારના ગ્રામીણ કાર્ય વિભાગના પૂર્વ પ્રધાન અને જમાલપુરના ધારાસભ્ય શૈલેષ કુમારનું નામ પણ સામેલ છે. 11 લોકોને જેડીયુ પાર્ટીએ કાઢી મૂક્યા હોવાથી બિહારમાં અત્યારે રાજકારણ ગરમાયું છે અને ચર્ચાનો દોર શરૂ થયો છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, જનતા દળ (યુનાઇટેડ) એ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને આચાર ઉલ્લંઘન માટે કેટલાક નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ આ મામલે એક નોટિસ જારી કરી છે. આ નોટિસ રાજ્ય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી ચંદન કુમાર સિંહ દ્વારા જારી કરવામાં આવી હતી. બિહારમાં વિધાનસભા ચૂંટણી ટાણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે જેડીયુ પાર્ટીને ચૂંટણી પર અસર પડશે તેવું પણ નિષ્ણાતો માની રહ્યાં છે.

આ લોકોને પાર્ટીમાંથી કાઢી દેવામાં આવ્યાં

  1. શૈલેષ કુમાર – ભૂતપૂર્વ મંત્રી, જમાલપુર, મુંગેર
  2. સંજય પ્રસાદ – ચકાઈ, જમુઈ
  3. શ્યામ બહાદુર સિંહ – બધરિયા, સિવાન
  4. રણવિજય સિંહ – બરહારા, ભોજપુર
  5. સુદર્શન કુમાર – બરબિધા, શેખપુરા
  6. અમર કુમાર સિંહ – સાહેબપુર કમલ, બેગુસરાય
  7. ડૉ. અસ્મા પરવીન – મહુઆ, વૈશાલી
  8. લબ કુમાર – નવીનગર, ઔરંગાબાદ
  9. આશા સુમન – કદવા, કટિહાર
  10. દિવ્યાંશુ ભારદ્વાજ – મોતિહારી, પૂર્વ ચંપારણ
  11. વિવેક શુક્લા – જીરાદેઈ, સિવાન આ લોકો પક્ષની વિચારધારા વિરુદ્ધ કાર્ય કરી રહ્યાં હતા

પક્ષ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે કેટલાક નેતાઓ પક્ષની વિચારધારાના વિરુદ્ધ જઈને કાર્ય કરી રહ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક અસરથી પક્ષની પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આ નિર્ણયથી સંગઠનમાં શિસ્ત અને એકતા વધુ મજબૂત બનશે. નેતૃત્વનો માનવું છે કે આ પગલાંથી પક્ષની છબી પર સકારાત્મક અસર પડશે અને આવનારા ચૂંટણીમાં પક્ષને લાભ મળી શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button