નેશનલ

નીતિશકુમારની ટિપ્પણી મુદ્દે 2 મહિલાઓ આમને સામને

વસ્તી નિયંત્રણમાં મહિલાઓની ભૂમિકા વિશે બિહારના સીએમ નીતિશકુમારની ટિપ્પણીને પગલે ભારે વિવાદ સર્જાયો છે. વિધાનસભાના ચાલુ સદનમાં તેમણે એક ચોંકાવનારી ટિપ્પણી કરી હતી જેને પગલે તેઓ ટીકાને પાત્ર બની રહ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ તેમની આ ટિપ્પણીની આલોચના કરતા બિહારના મુખ્યપ્રધાન તાત્કાલિક માફી માગે તેવી માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે જો કોઇ નેતા લોકતંત્રમાં ખુલ્લેઆમ આ પ્રકારની ટિપ્પણી કરી શકે તો તેના નેતૃત્વમાં રાજ્યની પ્રજાને ઘણું સહન કરવું પડતું હશે.

NCW પ્રમુખ રેખા શર્માએ વિપક્ષની મહિલા નેતાઓ પર પણ કટાક્ષ કર્યો હતો અને નીતિશકુમારની ટિપ્પણીઓની નિંદા કરવાનું કહ્યું. તેમણે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા, આમ આદમી પાર્ટીના નેતા આતિશી અને શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે તથા શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને તેમની પોસ્ટ પર ટેગ કર્યા હતા. રેખા શર્માએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા કહ્યું હતું કે ‘મહિલા હિતોના ચેમ્પિયન એવા આ તમામ નેતાઓ તેમના મિત્ર નીતિશકુમારની નિંદા કરે તેમજ નિવેદન બદલ તેમની પાસેથી માફીની માગ કરતા લોકોમાં સામેલ થાય.’

X પર રેખા શર્માએ તેમને આ લખાણ સાથે ટેગ કર્યા હોવાની જાણ થતા જ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે તેઓ મહિલાઓ સાથેના અપમાનજનક વર્તનની નિંદા કરે છે, ભલે પછી એ તેમના કોઇ સહયોગીએ જ કેમ ન કર્યું હોય. મને વિશ્વાસ છે કે મુખ્યપ્રધાન પોતાના શબ્દોના ઉપયોગ પર ધ્યાન આપશે અને માફી પણ માગશે. પ્રિયંકા ચતુર્વેદીના આ જવાબ બાદ રેખા શર્માએ દાવો કર્યો હતો કે તેમણે એકવાર તેમની પાર્ટીના પૂર્વ સહયોગી વિરુદ્ધ તપાસ માટે પુરાવા સાથે સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ‘તપાસ કરવામાં અસમર્થ છે’ તેમ જણાવ્યું હતું.

રેખા શર્માએ પ્રિયંકા ચતુર્વેદીના જવાબમાં કહ્યું, ‘પ્રિયંકાજી તમને યાદ છે? મે એક નેતા અંગે તમને ફરિયાદ કરી હતી અને પુરાવા સાથે તમને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરી હતી.. તે વખતે તમે કેટલા નિષ્પક્ષ રહ્યા હતા, તે તમને યાદ છે?’ આના પર પ્રિયંકાએ પલટવાર કરતા કહ્યું ‘શું મેં તમારા હાથપગ બાંધી દીધા? તમારું મોં બંધ કરી દીધું? કાર્યવાહી તો તમે પણ કરી શકતા હતા, હવે એકબીજાને ટ્રોલ કર્યા વગર પોતપોતાનું કામ કરીએ.’ પ્રિયંકાએ જણાવ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button