શા માટે નીતીશને લેવા ભાજપ થતું હતું તલપાપડ? બિહારની લોકસભામાં આ રીતે ખીલશે કમળ?
નવી દિલ્હી: આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે બિહારમાં મોટો રાજકીય ખેલ પાડી દીધો છે. વારંવાર પક્ષ બદલતા રહેતા નીતિશ કુમાર નવમી વાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા છે. એક સમયે અમિત શાહે કહેલું કે તેમના માટે NDAના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે, તેમ છતાં નીતીશ કુમારને તેની સાથે (NDAમાં) જોડ્યા છે. તો આ પાછળનું કારણ શું હોય શકે ? આજે આ રિપોર્ટમાં અમુક મુદ્દાઓને ધ્યાને લઈને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું….
વારંવાર પક્ષ પલટો કરતાં નીતીશ કુમાર ભાજપ માટે શા માટે આટલા મહત્વના છે તેના 3 મુખ્ય કારણો માનવામ આવે છે. જાતીય સમીકરણ, ભાજપનો ઇન્ટરનલ સર્વે અને INDIA ગઠબંધનને તોડવાની કોશિશ…
જો સૌથી પહેલા આપણે બિહારમાં ભાજપની લહેરની વાત કરીએ તો તેના આંતરિક સર્વે પ્રમાણે ભાજપને લઈને કોઈ ખાસ ફિડબેક મળી રહ્યું ન હતું. અને આમ જોવા જઈએ તો ઉત્તરના અન્ય રાજ્યો કરતાં બિહારમાં ભાજપ એટલી પણ મજબૂત નથી અને ઉપરથી JDU અને મહાગઠબંધન ભાજપનું ટેન્શન વધારી રહી હતી.
જો 2019ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપ અને JDUએ સાથ મળીને ચૂંટણી લડ્યા હતા અને 40 માંથી 39 બેઠકો પર જીત મેળવી હતી. આ 39 બેઠકો માંથી ભાજપ 17, JDU 16 અને 6 સીટ LJP એ મેળવી હતી. જેથી ભાજપ ફરીવાર આવું જ પ્રદર્શન કરવા માંગે છે જેને લઈને બિહારમાં ભાજપ માટે નીતીશ ઘણા જ મહત્વના સાબિત થઈ જાય છે.
બીજા કારણ INDIA ગઠબંધનની જો વાત કરીએ તો આ ગઠબંધન માટે નીતીશ કુમાર ઘણા મહત્વના નેતા હતા. અને સાથે સાથે અલગ અલગ રાજયોની પાર્ટીના મહત્વના ચેહરાઓ એક સાથે જોવા મળી રહ્યા હતા. જે માટે થઈને ભાજપ માટે આ ગઠબંધનને કોઈ પણ ભોગે તોડવાની કોશિશ કરી રહી છે.
છેલ્લું અને સૌથી મહત્વનુ કારણ જાતિ સમીકરણ માની શકાય. બિહારમાં કાસ્ટ પોલીસ્ટિક્સ અત્યંત મહત્વનુ માનવામાં આવે છે.રાજયમાં 30 ટકા વસ્તી EBC એટલે કે અત્યંત પછાત વર્ગની છે. આ વર્ગમાં કુર્મી, નિષાદ, કોયરી, નાઈ, તેલી, જેવી જાતિઓનો સમાવેશ થાય છે, જે મોટે ભાગે JDUને જ મત આપે છે. અને ભાજપ કોઈ પણ રીતે આ મતોને પોતાની તરફ આકર્ષવા માંગશે.
એક મિડયા રિપોર્ટના સર્વે અનુસાર જો વાત કરવાં આવે તો, જો 2024ના લોકસભાની ચૂંટણીમાં NDA નીતીશ કુમાર વગર મેદાને ઉતરી હોત તો કુલ 40 બેઠકો માંથી NDA ને 39% બેઠકો મળી શકી હોત એટ્લે કે 16-18 બેઠકો અને INDIA ગઠબંધનને 43% એટલે કે 21-23 બેઠકો. જેથી INDIA ગઠબંધનને તોડવા ભાજપ માટે બિહારમાં આ ‘ઓપરેશન લોટસ’ ખુબજ મહત્વનુ હતું એમ કહી શકાય.