જંગલ મે ચુનાવ આનેવાલા હૈઃ નીતિશ સરકારે ફ્રી વીજળીની રેવડી જાહેર કરી

પટના: હિન્દી ભાષાના જાણીતા કવિ અશોક ચક્રધરની કવિતા જંગલ મે ચુનાવ આનેવાલા હૈ, દર ચૂંટણીએ યાદ આવે છે. પાંચ વર્ષ જનતાના ખબરઅંતર ન પૂછતા રાજકીય પક્ષો ચૂંટણી આવે કે તરત ભેટસોગાદોના નામે મતદારોને રીઝવવાની રીતસરની દોડ લગાવે છે. હવે બિહારની ચૂંટણી આવી રહી છે. આમ પણ જંગલરાજ તરીકે આ રાજ્યની છબિ બની છે ત્યારે હવે બિહારમાં ચૂંટણી પહેલા સત્તાપક્ષ દ્વારા રેવડી એટલે વિવિધ યોજાનના નામે જનતાને મફત સેવાઓ આપવાની લ્હાણીની પણ શરૂઆત થઈ છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોશીયલ મીડિયા એક્સ પોસ્ટ કરી જણાવ્યું કે 1 લી ઓગસ્ટથી રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત મળશે. તેમને સરકાર દ્વારા હંમેશા સસ્તી વીજળી આપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ યોજનાથી 1.67 કરોડ પરિવારોને લાભ થશે. આ ઉપરાંત, સરકારે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે પણ યોજનાની જાહેરાત કરી છે, જેના અંતર્ગત સ્થાનિક ઘર અને જાહેર જગ્યા પર સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
સૌર ઊર્જાનો ભવિષ્યનો પ્લાન
આગામી ત્રણ વર્ષમાં સરકાર ઘરેલું ગ્રાહકોની મંજૂરીથી તેમના ઘરોની છતો કે જાહેર સ્થળોએ સૌલાર પ્લાન્ટ લગાવશે. જ્યારે કુટીર જ્યોતિ યોજના હેઠળ ગરીબ પરિવારો માટે આ ખર્ચ સરકાર ભોગવશે, તો અન્ય ગ્રાહકોને નાણાકીય સહાય આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યમાં 10,000 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખે છે, જે રાજ્યને આર્થિક રીતે અને પર્યાવરણ દ્રષ્ટીએ લાભ આપશે.
આ યોજનાને જન-કલ્યાણકારી ગણાવવામાં આવી રહી છે, પરંતુ વિપક્ષે તેની ટીકા કરી છે. શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ એક્સ પર લખ્યું, “ચૂંટણી આવી, મફતની રેવડીઓ લઈ આવી!” આમ, આ યોજના રાજકીય ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો…શું બિહારની ચૂંટણીથી NDAમાં ભંગાણના એંધાણ? ચિરાગ પાસવાને નીતિશ સરકાર પર સવાલ ઉઠાવ્યા!