સારું છે બ્રાહ્મણોને આરક્ષણ નથી મળતુંઃ નીતિન ગડકરીએ આમ કેમ કહ્યું…

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તેમના કામ સાથે નિવેદનો માટે પણ જાણીતા છે. દેશના ઘણા એવા મુદ્દાઓ છે, જેના પર તેઓ સ્પષ્ટતાપૂર્વક પોતાનો મત માંડતા હોય છે.
થોડા દિવસો પહેલા સંતોના એક કાર્યક્રમમાં તેમણે રાજકારણમાં ચાલતા જુટ્ઠાણા વિશે કહ્યું હતું ત્યારે આજે નાગપુરમાં મળેલા એક બ્રાહ્મણ સમાજના કાર્યક્રમમાં તેમણે જાતિ આધારિત આરક્ષણ મામલે વાત કરી છે.
મહારાષ્ટ્રમાં બ્રાહ્મણોને કોઈ પૂછતું નથી
બ્રાહ્મણ સમાજ મહાસંઘના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણોનું ખાસ કોઈ મહત્વ નથી, પરંતુ ઉત્તરપ્રદેશ અને બિહારમાં બ્રાહ્મણો ઘણા શક્તિશાળી છે.
અહીં દુબે, મિશ્રા, ત્રિપાઠી પાસે એ પાવર છે જે મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ પાસે છે. હું તે બધાને કહું છું કે કોઈ વ્યક્તિ ધર્મ,જાતિ, ભાષાથી મહાન થતો નથી, પરંતુ તેના ગૂણોથી થાય છે.
સારું છે બ્રાહ્મણો માટે આરક્ષણ નથી
ગડકરીએ આરક્ષણ વિશે પોતાની વાત રાખતા જણાવ્યું કે હું બ્રાહ્મણ છું અને ભગવાનનો ઉપકાર માનું છું કે બ્રાહ્મણોને કોઈ આરક્ષણ મળતું નથી. ગડકરીએ કહ્યું કે હું કોઈ જાતિ,ધર્મમાં માનતો નથી. માણસ તેની જ્ઞાતિથી મોટો થતો નથી, પણ પોતાના ગુણથી મોટો કે મહાન બને છે.
તેમણે યુવાનોને નોકરી માગવાને બદલે નોકરી આપનારા બનવા માટે પ્રેરણા આપી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં હાલમાં દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ મુખ્ય પ્રધાન છે. રાજ્યમાં વર્ષોથી મરાઠા સમાજ આ ઉચ્ચ હોદ્દા પર બેસે છે અને દેવેન્દ્ર બ્રાહ્મણ હોવાથી તેમનો વિરોધ પણ થાય છે કે તેમની સામે અવરોધો આવે છે, તેવી વાતો પણ બહાર આવતી હોય છે.
આ પણ વાંચો…‘મારી પાસે પૈસાની કોઈ કમી નથી…’ નીતિન ગડકરીએ જાહેરમાં આવું કેમ કહ્યું?