જનતાને મૂરખ બનાવી શકે એ ઉત્તમ નેતાઃ નીતિન ગડકરી દાઢમાં બોલ્યા | મુંબઈ સમાચાર
નેશનલ

જનતાને મૂરખ બનાવી શકે એ ઉત્તમ નેતાઃ નીતિન ગડકરી દાઢમાં બોલ્યા

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ રાજકીય નેતા હોવા છતાં ગડકરી રાજકારણના જુઠ્ઠાણાં કે ભૂલ અંગે બિન્ધાસ્ત બોલવા માટે જાણીતા છે. અનેકવેળા તેમનું લક્ષ્ય વહીવટમાં થતા વિલંબ પર પણ કેન્દ્રિત હોય છે. ક્યારેક તેઓ પોતાના જ વિભાગના અધિકારીઓને ઠપકો આપે છે તો ક્યારેક પોતાના ક્ષેત્રના અગ્રણીઓના કાન પકડતા હોય છે. એક સારા નેતા કોને કહેવાય તે અંગે તેમણે તાજેતરમાં નિવેદન આપ્યું છે. ‘જે વ્યક્તિ લોકોને સૌથી વધુ મૂર્ખ બનાવી શકે છે તે શ્રેષ્ઠ નેતા બની શકે’ એવું તેમણે કહ્યું છે.

એક સંમેલનમાં ઉપસ્થિત સંતો અને મહંતોને સંબોધી કેન્દ્રીય પ્રધાન ગડકરીએ જણાવ્યું હતું કે ‘સરકારથી આઘા રહો. પછી ભલે ગમે તે પક્ષ સત્તામાં હોય. તમે સરકાર પાસે વારંવાર માંગણી કરી રહ્યા છો. ગમે તે પક્ષની સત્તા હોય, પ્રધાનોને હારતોરા કરી કામ કરાવતા રહો, પણ એક વાત યાદ રાખો કે પ્રધાનોને તમારા પંથ અને સંપ્રદાયમાં ઘુસવા નહીં દેતા. તેમને તો તેનાથી દૂર જ રાખજો.

રાજકારણ, સમાજકારણ અને વિકાસ અલગ અલગ બાબત છે. ધર્મ અને સમાજકારણને રાજકારણથી દૂર રાખવા જોઈએ, કારણ કે અમે રાજકીય લોકો જ્યાં પણ પ્રવેશીએ ત્યાં આગ લગાડ્યા વગર નથી રહી શકતા. પછી થાય છે એવું કે મહંતો રાજગાદી માટે અંદરોઅંદર ઝઘડવા લાગે છે. ત્યારબાદ પ્રધાન તેને મુલતવી રાખી એક સમિતિની નિમણૂક કરે છે અને પછી મહંતો અમારી આંગળી પકડવા આવે છે, ગડકરીની આ રજૂઆતથી હાજર રહેલા લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

નીતિન ગડકરીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ધર્મને સત્તાથી દૂર રાખવો જોઈએ. વિક્રમાદિત્ય સિંહાસન પર બિરાજમાન થયા એ પહેલા પૂજારીએ તેમની પીઠ પર ચાબુક ફટકારી હતી. ધર્મ ચડિયાતો છે, રાજા નહિ. સ્વામીજીના સત્ય, અહિંસા, શાંતિ, માનવતા અને સમાનતાના ઉપદેશો સમાજમાં પરિવર્તન કઈ રીતે લાવી શકે તે જોવાનું જરૂરી છે. માત્ર બોલવું આસાન છે, પરંતુ કરવું મુશ્કેલ છે.

ગડકરીએ એમ પણ કહ્યું કે હું જે ક્ષેત્રમાં છું ત્યાં હૃદયમનથી સાચું બોલવુ શક્ય નથી. જે લોકોને સૌથી વધુ મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી મોટો નેતા બની શકે છે, પણ શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે અંતમાં વિજય તો માત્ર સત્યનો જ થાય છે. દરેક કામ માટે શોર્ટકટ છે, પરંતુ એક ફિલોસોફી પ્રમાણે શોર્ટ કટ તમને કટ શોર્ટ કરી નાખે છે. તેથી આપણામા પ્રામાણિકતા, પારદર્શકતા જેવા મૂલ્યો હોવા જરૂરી છે, તેમ પણ ગડકરીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નેતાઓ અંગે આપ્યું આ ચર્ચાસ્પદ નિવેદન

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button