ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલથી વાહનના એન્જીનને નુકશાન થાય છે? નીતિન ગડકરીએ આપ્યો આવો જવાબ | મુંબઈ સમાચાર

ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલથી વાહનના એન્જીનને નુકશાન થાય છે? નીતિન ગડકરીએ આપ્યો આવો જવાબ

નવી દિલ્હી: ભારત સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ વિથ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ સક્રિય પણે ચલાવી રહી છે, આ પ્રોગ્રામ હેઠળ સરકારે પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

એવામાં છેલા કેટલાક દિવસોથી ચર્ચા થઇ રહી છે કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી વાહનોના એન્જીનને નુકશાન પહોંચે છે અને તેની માઇલેજમાં ઘટાડો થાય છે. હવે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી(Nitin Gadkari)એ સ્પષ્ટતા કરતા વાહનોની માઈલેજ ઘટવાના દાવા ફગાવી દીધા છે.

એક ખાનગી મીડિયા ગ્રુપના કાર્યક્રમમાં હાજરી આપતા, નીતિન ગડકરીએ કહ્યું કે અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ સરકારના ઇથેનોલ-બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.

આપણ વાંચો: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી; આરોપીની ધરપકડ થઇ…

ગડકરીની ઓપન ચેલેન્જ:

નીતિન ગડકરીએ ચેલેન્જ આપતા કહ્યું, “તમે મને દુનિયામાં ક્યાંય પણ એવો દાખલો બતાવો કે E20 પેટ્રોલને કારણે વાહનમાં તકલીફ થઇ હોય. હું ઓપન ચેલેન્જ આપું છું, E20માં કોઈ સમસ્યા નથી. આ ચર્ચા કરવા યોગ્ય પણ નથી. આ રાજકીય રીતે પ્રેરીત છે, એવું લાગે છે કે પેટ્રોલિયમ લોબી ચાલાકી વાપરી રહી છે.”

ઇથેનોલ પ્રોગ્રામથી થયેલા ફાયદા:

નીતિન ગડકરીએ કહ્યું કે સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલના ઉપયોગને ભારતમાં આયાત કરવામાં આવતા પેટ્રોલિયમનો ખર્ચ ઘટે છે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળે છે.

ઇથેનોલ પ્રોગ્રામને કારણે ખેડૂતોને થયેલા ફાયદાને અંગે ગડકરીએ કહ્યું, “મકાઈમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેને કારણે મકાઈના ભાવ ₹1,200 થી વધીને ₹2,600 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. બિહાર અને યુપીમાં મકાઈના વાવેતર વિસ્તારમાં ત્રણ ગણો વધારો થયો છે. આનાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

આપણ વાંચો: ‘સરકાર સામે કોર્ટમાં અરજીઓ દાખલ કરે એવા લોકોની જરૂર છે’ નીતિન ગડકરી આવું કેમ કહ્યું?

મંત્રાલયે માઈલેજ ઘટવાની વાત સ્વીકારી:

આ અઠવાડિયે પેટ્રોલિયમ મંત્રાલયે પણ કહ્યું હતું કે E20 ફ્યુઅલને કારણે એન્જિનને કોઈ મોટું નુકસાન કે તેની ક્ષમતાના ઘટાડો જેવી સમસ્યા થતી નથી. જોકે, મંત્રાલયે એ વાત સ્વીકારી કે E20 ફ્યુઅલને કારણે નવી કારમાં માઇલેજ 2% સુધી ઘટી શકે છે અને જૂની કારમાં 6% સુધી ઘટી શકે છે.

રૂટીન મેન્ટેનન્સની મદદથી આ સમસ્યા પણ રહેતી નથી. 20,000 થી 30,000 કિમી ચાલ્યા બાદ કેટલાક જૂના વાહનોમાં રબર પાર્ટ્સ અથવા ગાસ્કેટ જેવા નાના રિપ્લેસમેન્ટની કરવાની જરૂર પડે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button