નીતિન ગડકરીનો કોંગ્રેસ પર લોકોને ભ્રમિત કરવાનો આરોપ કહ્યું, ‘કોંગ્રેસે બંધારણમાં 80 વખત સુધારો કર્યો’
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ આજે શુક્રવારે કહ્યું કે વિરોધ પક્ષ એવો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે કે જો ભાજપ સત્તામાં રહેશે તો તે બંધારણને બદલી નાખશે. ગડકરીએ કહ્યું કે વાસ્તવમાં કોંગ્રેસ જ છે જેણે પોતાના શાસન દરમિયાન 80 વખત બંધારણમાં સુધારો કર્યો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની ખોટી આર્થિક નીતિઓને કારણે દેશની જનતા ગરીબ રહી છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરી મહારાષ્ટ્રના બીડ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પંકજા મુંડેના સમર્થનમાં માજલગાંવમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે રેલીને સંબોધતા કહ્યું, કે આપણો વિરોધ પક્ષ લોકોને સાંત્વના કે આશ્વાસન આપી શક્યો નથી, તેથી તે તેમને ભ્રમિત કરી રહ્યો છે. તેઓ (વિપક્ષી નેતાઓ) કહે છે કે અમે (ભાજપ) બંધારણ બદલીશું. પરંતુ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે જે કહે છે કે બંધારણ બદલી શકાતું નથી, માત્ર સુધારી શકાય છે. કોંગ્રેસે અત્યાર સુધી 80 વખત બંધારણમાં સુધારો કરી ચુકી છે.
આપણ વાંચો: ભાષણ આપતી વખતે નીતિન ગડકરી બેભાન થયા
ગડકરીએ કહ્યું, ” જ્યાં સુધી કતારમાં છેલ્લે ઉભેલા ગરીબને લાભ નહીં મળે ત્યાં સુધી,અમે અટકીશું નહીં અને અમારું કામ ચાલુ રાખીશું.” કોંગ્રેસની ખોટી આર્થિક નીતિઓને કારણે દેશમાં લોકો ગરીબ રહ્યા. અમે 10 વર્ષ કામ કર્યું તેટલું કામ કોંગ્રેસે 60 વર્ષ સત્તામાં રહેવા છતાં કંઈ કર્યું નથી. તેથી, જ્યારે-જ્યારે તે પોતાનું કામ બતાવીને ચૂંટણી લડી શકતી નથી ત્યારે તે લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપના પૂર્વ પ્રમુખે મતદારોને આ ચૂંટણીમાં જાતિ કે ધર્મના આધારે મતદાન ન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે આપણે હાર્ટ સર્જરી માટે જઈએ છીએ, ત્યારે શું આપણે ડૉક્ટરની જાતિ વિશે વિચારીએ છીએ? જો તમે પંકજાને મત આપો તો જ તમે અહીં મારી પાસે રિંગરોડ, ફ્લાયઓવર અને સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા આવી શકો છો.
વાહનોનો ઉલ્લેખ કરતાં ગડકરીએ કહ્યું હતું કે CNG પર ચાલતા ટુ-વ્હીલર ઘણી કંપનીઓ દ્વારા પહેલેથી જ બનાવવામાં આવે છે. તેમણે કહ્યું, “સુગર ફેક્ટરીઓને આ વાહનો માટે ઇંધણ વેચવા માટે ઇથેનોલ પંપ સ્થાપિત કરવા માટે લાઇસન્સ આપવામાં આવશે. હવે ખેડૂતો માત્ર ઉર્જા ઉત્પાદક જ નહીં પરંતુ કૃષિ કચરામાંથી વિમાન માટેનું ઈંધણ અને બાયો-બિટ્યુમેનનું ઉત્પાદન પણ કરશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રની બીડ લોકસભા સીટ માટે 13 મેના રોજ મતદાન થશે. પંકજા મુંડે અને એનસીપી (એસપી)ના બજરંગ સોનાવણે વચ્ચે મુખ્ય મુકાબલો છે.