નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે ‘જરૂરી ફંડ’ નથી. તેમણે કહ્યું કે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો.
એક કાર્યક્રમ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું, “એક અઠવાડિયા કે દસ દિવસ સુધી વિચાર્યા પછી મેં જવાબ આપ્યો… કદાચ નહીં. મારી પાસે ચૂંટણી લડવા માટે આટલા પૈસા નથી, પછી તે આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ. જીતવા લાયક અલગ અલગ માપદંડોનો પણ પ્રશ્ન છે. શું તમે તમે આ સમાજમાંથી છો કે પછી પેલા ધર્મથી છો? શું તમે આમાથી છો? મને નથી લાગતું કે હું આ બધુ કરવા સક્ષમ છું.
Also Read:
https://bombaysamachar.com/loksabha-election-2024/advisory-issued-to-protect-voters-from-heat-wave/
તેમણે કહ્યું કે ‘હું ઘણી આભારી છું કે તેમણે મારી દલીલ સ્વીકારી લીધી. જેથી હું ચૂંટણી નથી લડી રહી.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રીએ પાસે ચૂંટણી લડવા માટે પૈસા કેમ નથી? તો તેમણે જવાબ આપ્યો કે ભારતની સંચિત નિધિ તેની અંગત નિધિ નથી. તેણે કહ્યું, ‘મારૂ વતન, મારી કમાઈ, અને મારી બચત મારી છે, ભારતની સંચિત નિધિ નહીં.’
સત્તાધારી ભાજપે 19 એપ્રિલથી શરૂ થનારી આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યસભાના અનેક વર્તમાન સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે.
સીતારમણ કર્ણાટકમાંથી રાજ્યસભાના સભ્ય છે. નાણામંત્રીએ કહ્યું કે તે અન્ય ઉમેદવારો માટે પ્રચાર કરશે. તેણીએ કહ્યું, “હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને ઉમેદવારોની સાથે રહીશ – જેમ કે આવતીકાલે હું રાજીવ ચંદ્રશેખર માટે પ્રચાર કરવા જઈશ. હું પ્રચારના માર્ગ પર રહીશ.”
દેશની તિજોરીનો હિસાબ રાખતા નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસે અન્ય કેબિનેટ મંત્રીઓની સરખામણીમાં ઘણી ઓછી સંપત્તિ છે. જ્યારે તેણીએ ચાર વર્ષ પહેલા (2020) તેની સંપત્તિની વિગતો આપી હતી, ત્યારે તે બહાર આવ્યું હતું કે તે મોદી કેબિનેટમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રીઓમાંની એક છે. તે સમયે તેમની પાસે લગભગ 1.34 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. તેણી તેના પતિ સાથે સંયુક્ત શેર તરીકે રૂ. 99.36 લાખનું ઘર ધરાવે છે. આ સિવાય તેમની પાસે લગભગ 16.02 લાખ રૂપિયાની બિનખેતીની જમીન પણ છે.
નાણામંત્રી પાસે પોતાના નામે કોઈ કાર નથી. તેમની પાસે બજાજ ચેતક બ્રાંડનું જૂનું સ્કૂટર છે, જેની કિંમત તે સમયે લગભગ રૂ. 28,200 હતી. તેમની કુલ જંગમ સંપત્તિ 18.4 લાખ રૂપિયાની આસપાસ છે. જવાબદારીઓ તરીકે, તેની પાસે 19 વર્ષ સુધીની લોન, એક વર્ષનો ઓવરડ્રાફ્ટ અને 10 વર્ષની મોર્ગેજ લોન છે.