
કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે જેને કારણે સરકારે એલર્ટ જાહેર કર્યું છે. કોઝિકોડ જિલ્લામાં બે શંકાસ્પદ મૃત્યુ પછી રાજ્ય સરકારે ચેતવણી જાહેર કરી છે. નિપાહ વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આરોગ્ય વિભાગે સોમવારે રાત્રે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં તાવ પછી બે લોકોના ‘અપ્રાકૃતિક’ મૃત્યુ નોંધાયા છે અને એવી શંકા છે કે નિપાહ વાયરસ તેમના મૃત્યુનું કારણ હોઈ શકે છે. એક મૃતકના સંબંધીઓને પણ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2018 અને 2021માં કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના ચેપને કારણે મૃત્યુ નોંધાયા હતા. દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ 19 મે, 2018 ના રોજ કોઝિકોડમાં જ નોંધાયો હતો.
પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)ના તાજેતરમાં જાહેર થયેલા સેરો સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે આ વાયરસ અન્ય રાજ્યોમાં પણ પહોંચી રહ્યો છે. સેરો સર્વે મુજબ 10 રાજ્યોના ચામાચીડિયામાં આ વાયરસ સામે એન્ટિબોડીઝ મળી આવી છે. જેમાં ગોવા, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલયનો, કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને પુડુચેરીનો સમાવેશ થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, નિપાહ વાયરસ ચેપ એ એક ઝૂનોટિક રોગ છે જે પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે અને તે ખોરાક દ્વારા અથવા સીધા એક વ્યક્તિથી બીજામાં પણ ફેલાય છે. ચેપગ્રસ્ત લોકોમાં લક્ષણો દેખતા નથી અને આ વાયરસ શ્વસનને લગતી ઘાતક બિમારી અને જીવલેણ એન્સેફાલીટીસ સહિત વિવિધ રોગોનું કારણ બને છે.
ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ આ વાયરસ ડુક્કર જેવા પ્રાણીઓમાં પણ ગંભીર રોગ પેદા કરી શકે છે, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે.