નેશનલ

નિપાહ વાયરસના લક્ષણો શું છે? જાણો આ જીવલેણ સંક્રમણથી બચવાના અસરકારક ઉપાયો…

નવી દિલ્હી: દુનિયા હજુ કોરોનાના ડરમાંથી માંડ બહાર આવી છે ત્યાં વધુ એક જીવલેણ વાયરસ ‘નિપાહ’ એ દસ્તક આપી છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં 25 વર્ષીય મહિલા નર્સનું આ વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે વાયરસ ફરી એકવાર સક્રિય થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને લક્ષણો દેખાય તો તરત જ તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે.

શું છે આ નિપાહ વાયરસ?

નિપાહ વાયરસ ‘હેનિપાવાયરસ’ (Henipaviruses) શ્રેણીનો એક ભાગ છે. આ એક ‘ઝૂનોટિક વાયરસ’ (Zoonotic Virus) છે, જેનો અર્થ એ થાય કે તે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. ખાસ કરીને ચામાચીડિયા અને ભૂંડ દ્વારા આ વાયરસના સંક્રમણની શક્યતા વધુ રહે છે. જો કોઈ વ્યક્તિ સંક્રમિત પ્રાણીના સંપર્કમાં આવે અથવા તેમના દ્વારા દૂષિત કરાયેલા ફળો ખાય, તો તે પણ આ બીમારીનો ભોગ બની શકે છે.

નિપાહ વાયરસના મુખ્ય લક્ષણો

નિપાહ વાયરસના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે, જેના કારણે તેને ઓળખવામાં ઘણીવાર વિલંબ થાય છે. જેમાં અચાનક તેજ તાવ આવવો, માથામાં અસહ્ય દુખાવો, માંસપેશીઓમાં ખેંચાણ, ગળામાં ખરાશ અને સતત ઉલ્ટી થવી જેવા લક્ષણો જોવા મળે છે. ગંભીર કિસ્સાઓમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે, ન્યુમોનિયા થઈ શકે છે અથવા તો ચક્કર આવીને બેભાન થવાની સ્થિતિ પણ ઊભી થાય છે.

સંક્રમણથી બચવા શું કરવું?

નિપાહથી બચવા માટે સતર્કતા એ જ શ્રેષ્ઠ ઈલાજ છે. વારંવાર સાબુ કે હેન્ડવોશથી હાથ ધોવા જોઈએ જેથી વાયરસના ફેલાવાને અટકાવી શકાય. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવું અને બીમાર પ્રાણીઓ (જેમ કે ભૂંડ, બકરી, ઘેટા) થી અંતર રાખવું અત્યંત જરૂરી છે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું; બજારમાંથી લાવેલા ફળોને બરાબર ધોઈને જ ખાવા અને અગાઉથી કાપેલા કે પક્ષીઓએ ચાંચ મારેલા ફળો ખાવાનું ટાળવું જોઈએ.

Disclaimer: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ લક્ષણો દેખાય તો સ્વ-ઉપચાર કરવાને બદલે તુરંત ડોક્ટર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button