નિપાહ વાઈરસ છે જીવલેણઃ નિષ્ણાતો…
ભારતના કેરળમાં નિપાહ વાઈરસે ફરી એક વખત પગપેસારો કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ વાઈરસથી બે જણના મૃત્યુ થયા છે અને પાંચથી વધુ એક્ટિવ કેસ છે. આ વાઈરસને કારણે ઊભા થયેલાં જોખમને ધ્યાનમાં લઈને રાજ્યમાં અનેક પ્રકારના પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે.
આજે જ સવારે ચિંતા કરાવે એવા બીજા સમાચાર એવા આવ્યા છે જે વ્યક્તિ આ વાઈરસની ચપેટમાં આવી આવી છે તે અત્યાર સુધીમાં 700 જેટલા લોકોના સંપર્કમાં આવી ચૂકી છે અને એમાંથી 77 જણમાં એની અસર જોવા મળી હોવાના અહેવાલ આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં પૂરા રાજ્યમાં આ વાઈરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આ વાઈરસના જોખમને ધ્યાનમાં લઈને કેરળ અને એની આસપાસના રાજ્યોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે વઈરસનો જે સ્ટ્રેન મળ્યો છે એ ખૂબ જ ખતરનાક છે અને આજે આપણે અહીં આ સ્ટ્રેન વિશે નિષ્ણાતો શું કહે છે, એના લક્ષણો શું છે અને એનાથી કઈ રીતે બચી શકાય એની વાત કરીશું-
નિષ્ણાતોને મતે આ વાઈરલ ખૂબ જ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે અને આ વાઈરસ સીધું મગજ પર અટેક કરે છે. આને કારણે મગજ પર સોજા આવી જાય છે, જે પછીથી મૃત્યુનું કારણ પણ બની શકે છે. કેરળમાં બાળકો પણ આ જીવલેણ વાઈરસની ચપેટમાં આવી રહ્યા છે. આ પહેલાં પણ ભારતમાં નિપાહ વાઈરસના કેસ જોવા મળ્યા હતા પણ આ વખતે જે સ્ટ્રેન મળી આવ્યો છે એ જોખમી છે. વાઈરસનો સંક્રમણ દર ભલે ઓછો હોય પણ આ વાઈરસની ચપેટમાં આવનાર વ્યક્તિનો જીવ બચાવવાનું અઘરું થઈ પડે છે.
વાઈરસના લક્ષણની વાત કરીએ તો શરૂઆતમાં આ વાઈરસના લક્ષણ ખૂબ જ હળવા હોય છે, પણ ત્રણ-ચાર દિવસની અંદર જ વાઈરસની અસર દેખાવવા લાગે છે અને દર્દી હોસ્પિટલ ભેગો થઈ જાય છે. નિપાહ વાઈરસ થવાનું જોખમ એવા લોકોને વધુ હોય છે કે જેમની ઈમ્યુનિટી વીક હોય છે.
આ છે નિપાહ વાઈરસના લક્ષણો-
તાવ, માથાનો દુઃખાવો, ઉલટી, ગળામાં ખરાશ, ચક્કર આવવા વગેરે વગેરે…
આ વાતોનું રાખો ખાસ ધ્યાન-
⦁ હાથ ધોઈને જ જમવાનું રાખો
⦁ ખરાબ ફળ ખાવાથી બચો
⦁ જો કોઈ વ્યક્તિને તાવ છે તો એના સંપર્કમાં આવવાનું ટાળો
⦁ પાણી ઉકાળીને પીવાનું રાખો..