કેરળમાં નિપાહ વાયરસના જીવલેણ ચેપના કેસ વધીને છ થઈ ગયા છે. નિપાહ વાયરસના ચેપને ફેલાતો રોકવા કેરળ સરકાર વિવિધ પગલા ભરી રહી છે, સરકારે કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. આમાં શાળાઓ, કોલેજો અને ટ્યુશન કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ સમગ્ર શૈક્ષણિક કાર્ય ઓનલાઈન થશે.
આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા 1,080 લોકોની ઓળખ કરવામાં આવી છે. શુક્રવારે 130 લોકોને ટ્રેક કરવામાં આવ્યા હતા. ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોમાં 327 આરોગ્ય કર્મચારીઓ છે. 30 ઓગસ્ટે જીવ ગુમાવનાર વ્યક્તિના અંતિમ સંસ્કારમાં 17 લોકો સામેલ થયા હતા. આ તમામ લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું હતું કે કોઝિકોડ સિવાય અન્ય જિલ્લાઓમાં કુલ 29 લોકો નિપાહ ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હત. તેમાંથી 22 મલપ્પુરમના, એક વાયનાડના અને ત્રણ-ત્રણ કન્નુર અને થ્રિસુરના છે. તેમણે કહ્યું કે હાઈ રિસ્કની કેટેગરીમાં 175 સામાન્ય નાગરિકો અને 122 આરોગ્ય કર્મચારીઓ છે. ચેપગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
નિપાહ કેસની સારવાર કરતી તમામ હોસ્પિટલોને મેડિકલ બોર્ડ બનાવવાની સલાહ આપવામાં આવી છે. દિવસમાં બે વખત આ બોર્ડની બેઠક મળશે. આ પછી તૈયાર થયેલો રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપવા જણાવાયું છે.
કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે જો જરૂરી હોય તો, સબરીમાલા તીર્થમાં થતી માસિક પૂજા અંગે પણ માર્ગદર્શિકા જાહેર કરે. કોર્ટે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના કમિશનરને આરોગ્ય સચિવ સાથે વાત કરવા અને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું હતું. સબરીમાલા મંદિર દર મલયાલમ મહિનામાં પાંચ દિવસ માટે ખુલે છે. આ મહિને તે આવતી કાલે રવિવારે યાત્રાળુઓ માટે ખુલશે.
કેરળમાં નિપાહ વાયરસના ચેપના કેસ વધીને છ થઈ ગયા છે, જેમાંથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. બીજી તરફ, નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ ઓસ્ટ્રેલિયાથી નિપાહ વાયરસ માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ મંગાવી છે. પાંચ વર્ષ પહેલાં 2018 માં, જ્યારે નિપાહના કેસ મળી આવ્યા હતા, ત્યારે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝ મંગાવવામાં આવી હતી.
આઈસીએમઆરના વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આઈસીએમઆરની આખી ટીમ નવી રસી વિકસાવવામાં વ્યસ્ત છે. આગામી બે-ત્રણ મહિનામાં દેશભરની હોસ્પિટલોમાં ડેન્ગ્યુની રસીની ટ્રાયલ શરૂ થવા જઈ રહી છે. ટીબી અને નિપાહ માટે પણ રસી શોધવાનો વિચાર છે. લોકો વારંવાર પૂછે છે કે કેરળમાં નિપાહનો ચેપ વારંવાર કેમ ફેલાઈ રહ્યો છે? મારી પાસે ખરેખર આનો જવાબ નથી. કારણ કે આ વાયરસ ચામાચીડિયા દ્વારા માણસો સુધી પહોંચે છે. ઘણીવાર, જ્યારે ચેપગ્રસ્ત ચામાચીડિયા બગીચામાં ફળ ખાય છે, ત્યારે વાયરસ લાંબા સમય સુધી તે ફળ પર રહે છે અને પછી તે મનુષ્ય સુધી પહોંચે છે.
Taboola Feed