ભારતના રાજ્યમાં નિપાહ ઊંચકી રહ્યો છે માથું; 14 વર્ષના એક બાળકનું મોત

નવી દિલ્હી: નિપાહ વાયરસે કેરળમાં પોતાની દસ્તક દઈ ચૂક્યું છે. નિપાહ વાયરસના લીધે મલપ્પુરમ જિલ્લામાં 14 વર્ષના બાળકનું મોત થયું છે. વાયરસની અસરથી સંક્રમિત થયા બાદ બાળકની સારવાર ચાલી રહી હતી. પરંતુ શરીરમાં રોગનું સંક્રમણ વધવાને લીધે આજે 21 જુલાઇના સવારના રોજ તેનું હાર્ટ અટેક આવવાને લીધે મોત નીપજ્યું છે.
કેરળમાં આ બાળકના મૃત્યુ બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે કેરળના મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસના એક દર્દીનું મૃત્યુ થયું છે, આ કેસની તપાસ માટે સેમ્પલને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)માં મોકલવામાં આવ્યો હતો. નિપાહના કેસ નોંધાયા બાદ કેન્દ્ર સરકારે દિલ્હીથી એક ટીમને કેરળ મોકલી છે જે આ વાયરસને લઈને વધુ તપાસ માટે કેરળમાં તૈનાત રહેશે.
હાલ નિપાહ રોગચાળાને લઈને કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે થોડા વર્ષો પહેલા કેરળમાં નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો અને કેરળે તાત્કાલિક પગલાં લીધાં હતાં. તેથી હું આશા રાખું છું કે સરકાર અને અધિકારીઓ, ખાસ કરીને તબીબી કર્મચારીઓ, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવશે.
આ બાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સાવચેતી રાખવાની સલાહ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વાયરસના કન્ફર્મ થયેલા કેસના પરિવાર, પાડોશ અને આસપાસના વિસ્તારોમાં એક્ટિવ કેસોની તપાસ કરવામાં આવે. આમાં છેલ્લા 12 દિવસ દરમિયાન કોન્ટેક્ટ ટ્રેસિંગ કેસના કોન્ટેક્ટ્સને કડક અલગ કરવાનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રાષ્ટ્રીય ‘એક આરોગ્ય મિશન’ની આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ રાજ્યને કેસની તપાસ, રોગચાળા સંબંધી કડીઓ ઓળખવા અને તકનીકી સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવશે.