ટોપ ન્યૂઝનેશનલ

કેરળમાં નિપાહનો કહેર! 1 મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું

મલપ્પુરમ, કેરળઃ કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસે પોતાની અસર બતાવવાનું શરૂ કર્યું છે. નિપાહ વાયરસથી સંક્રમિત થતા 57 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાથી અત્યારે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ સમગ્ર બાબતને ગંભીરતાથી લેતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને અનેક પગલાં લઈ રહ્યું છે. અત્યારે મૃતક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે જેથી તેમની ઓળખ થઈ શકે અને તેમનો તબીબી પરીક્ષણ કરી શકાય અને જાણકારી મેળવી શકાય! 46 લોકોની સંપર્ક યાદી તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આરોગ્ય વિભાગે રાજ્યના 6 જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરી દીધું છે.

નિપાહ વાયરસથી સંક્રમિત થતા એક વ્યક્તિનું મોત

કેરળના રાજ્ય આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે આ અંગે વિગતો આપતા કહ્યું કે, ‘મંજેરી મેડિકલ કોલેજમાં લેવામાં આવેલા પરીક્ષણમાં મૃતક વ્યક્તિનો નમૂનો પોઝિટિવ જોવા મળ્યો હતો. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના રિપોર્ટ આવ્યા પછી કેસની અંતિમ પુષ્ટિ કરવામાં આવશે. આ વર્ષે પલક્કડ જિલ્લામાં નિપાહ વાયરસથી આ બીજું મૃત્યુ છે, ત્યારબાદ આરોગ્ય વિભાગે એલર્ટ જારી કર્યું છે અને ઝડપી ટ્રેસિંગ અને નિયંત્રણ કામગીરી શરૂ કરી છે’.

મલપ્પુરમ જિલ્લામાં 10 લોકો વાયરસના કારણે સારવાર હેઠળ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મલપ્પુરમ જિલ્લામાં 10 લોકો અત્યારે આ વાયરસના કારણે સારવાર હેઠળ છે, જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને ICU માં રાખવામાં આવ્યા છે. મલપ્પુરમ જિલ્લામાં 62 નમૂનાઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પલક્કડમાં એક વ્યક્તિને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 36 લોકોને સૌથી વધુ જોખમ શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. જ્યારે 128 લોકોને વધુ જોખમ શ્રેણીમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

પલક્કડ અને મલપ્પુરમ જિલ્લાની હોસ્પિટલોથી દૂર રહેવા સૂચના

આ વાયરસને લઈને રાજ્ય સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જ્યા સુધી જરૂરિયાત ના હોય ત્યાં સુધી હોસ્પિટલ ના જવું. ખાસ કીરને પલક્કડ અને મલપ્પુરમ જિલ્લામાં આવેલી હોસ્પિટલોમાં જરૂરિયાત સિવાય ના જવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જો પરિવાર કે સંબંધીઓમાં કોઈને આ વાયરસ થયો છે તો તેનાથી પણ દૂર રહેવાનું કહેવામં આવ્યું છે.

આ વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે

નિપાહ વાયરસ એક જીવલેણ વાયરલ ચેપ છે જે ચામાચીડિયા અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. તે તાવ, માથાનો દુખાવો, ઉલટી અને ગંભીર કિસ્સાઓમાં મગજમાં બળતરા (એન્સેફાલીટીસ)નું કારણ બની શકે છે. પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર, વાયનાડ અને ત્રિશુર જિલ્લાની હોસ્પિટલોને ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. નિપાહના લક્ષણો સાથે તાવ અથવા એન્સેફાલીટીસના કોઈપણ કેસની જાણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે નિપાહથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 543 લોકોની યાદી તૈયાર કરી છે. સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો….કેરળમાં સતત ફેલાઈ રહ્યો છે નિપાહ વાયરસનો ચેપ, જાણો લક્ષણ અને બચવાના ઉપાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button