યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને ફાંસી અંગે સરકારે કરી સ્પષ્ટતા | મુંબઈ સમાચાર

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને ફાંસી અંગે સરકારે કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલી ભારતીય નિમિષા પ્રિયાના કેસ અંગે કેરળના એક મૌલવી દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા છે અને આ સંવેદનશીલ મામલે કોઇ પણ પ્રકારની અટકળો ટાળવી જોઇએ, એવી સ્પષ્ટતા સરકારે આજે કરી હતી.

ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબકર મુસલિયારે સોમવારે દાવો કર્યો હતો કે પ્રિયાની મૃત્યુદંડની સજા રદ્દ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે પ્રિયાના કેસ સંબંધિત દાવા ધરાવતા અહેવાલો જોયા છે અને આ દાવા ખોટા છે. એક સૂત્રએ જણાવ્યું કે અમે લોકોને આ સંવેદનશીલ મામલે ખોટી માહિતી અને અટકળોથી બચવા વિનંતી કરીએ છીએ.

આપણ વાંચો: ભારતીય નર્સ નિમિષા પ્રિયાની રદ થયેલી સજા પર ‘સંકટ’: પીડિત પરિવારે ફાંસીની માંગ કરી

આ સ્પષ્ટતા ગ્રાન્ડ મુફ્તી દ્વારા કથિત રીતે એ કહ્યા બાદ કરવામાં આવી છે કે વડા પ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલય પ્રિયા કેસમાં તેમના પ્રયાસોથી વાકેફ છે.

નોંધનીય છે કે ૩૮ વર્ષીય ભારતીય નાગરિકને ૧૬ જુલાઇના રોજ ફાંસી આપવાની હતી, પરંતુ ભારતીય અધિકારીઓના હસ્તક્ષેપને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હાલ તેણી યમનની રાજધાની સનાની એક જેલમાં બંધ છે, જે ઇરાન સમર્થિત હુથીઓના નિયંત્રણમાં છે.

આપણ વાંચો: નિમિષા પ્રિયાને જીવન દાન મળ્યું: યમનમાં મૃત્યુદંડની સજા રદ, ગ્રાન્ડ મુફ્તીએ જીવ બચાવ્યો

કેરળના પલક્કડ જિલ્લાના કોલ્લેંગોડેની રહેવાસી આ નર્સને જુલાઇ ૨૦૧૭માં એક યમનના નાગરિકની હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી.

૨૦૨૦માં યમનની એક કોર્ટે તેણીને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને દેશની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે નવેમ્બર ૨૦૨૩માં તેણીની અપીલ ફગાવી દીધી હતી. યમનમાં ભારતની કોઇ રાજદ્વારી ઉપસ્થિતિ નથી અને સાઉદી અરેબિયામાં ભારતીય મિશનના રાજદ્વારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા હોવાનું જણાવાઇ રહ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button