PFI સાથે જોડાયેલા સંગઠનો પર NIAની મોટી કાર્યવાહી, છ રાજ્યોમાં દરોડા
પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા અન્ય સંગઠનો વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA) કાર્યવાહી કરી રહી છે. NIA તેમના સંગઠનને લગતા સ્થળો પર દરોડા પાડી રહી છે. યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળો પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
NIAની ટીમ બુધવારે સવારે લગભગ 5 વાગ્યાથી PFI સાથે જોડાયેલા સંગઠનો પર દરોડા પાડી રહી છે. રાજસ્થાનના ટોંક જિલ્લામાં અને ઉત્તર પ્રદેશના લખનૌમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સંગઠન સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર NIAના તપાસ ચાલુ છે. બીજી તરફ NIAએ મુંબઈના વિક્રોલી વિસ્તારમાં 7/11 ટ્રેન બ્લાસ્ટના આરોપી વાહિદ શેખના ઘરે પણ દરોડા પાડ્યા છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સહિત સીતાપુર, બહરાઈચ, હરદોઈ અને બારાબંકી જેવા જિલ્લાઓમાં NIAની ટીમ તપાસ કરી રહી છે. NIAની ટીમ પેરા મિલિટરી ફોર્સ અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે બુધવારે વહેલી સવારે આ સંગઠનોના ઠેકાણા પર પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 માં કેન્દ્ર સરકાર દ્વારા PFI ને UAPA કાયદા હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, PFI પર પ્રતિબંધ હોવા છતાં, તેની સાથે સંકળાયેલા આ સંગઠનો સતત રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને આ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને સંગઠનના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.