ISISના ત્રણ વોન્ટેડ આતંકીઓને પકડવા દિલ્હીમાં NIAના દરોડા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દિલ્હીમાં છુપાયેલા ISISના આતંકીઓને શોધવા દરોડા પડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખ છે. NIAએ તેમના પર 3-3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આતંકવાદી શાહનવાઝ પૂણે પોલીસની કસ્ટડીમાંથી ભાગીને દિલ્હીના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં રહેતો હોવાની જાણકારી હતી, તે IED નિષ્ણાત છે. આ ઉપરાંત વધુ બે શકમંદોની શોધખોળ ચાલુ છે. મહારાષ્ટ્રના પુણેમાં ISISના આં આતંકવાદીઓ સક્રિય હતા. ત્યાંથી 7 આતંકીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
પૂણેમાં છુપાયેલા આતંકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. શાહનવાઝ ગયા જુલાઈ મહિનામાં પકડાયો હતો. જોકે બાદમાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે દક્ષિણ દિલ્હી વિસ્તારમાં ક્યાંક છુપાયો હોવાની માહિતી મળી હતી. તે પુણેમાં વિસ્ફોટને અંજામ આપવા માટે તેના બે સહયોગીઓને લઈને આવ્યો હતો. જેમાં બંને ઝડપાઈ ગયા હતા. ત્યારથી શાહનવાઝની શોધ ચાલી રહી છે.
હાલમાં જ NIAએ ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે મહત્વની કાર્યવાહી કરી હતી અને દેશના ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ગેંગસ્ટર્સની શોધમાં NIAએ દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ઉત્તરાખંડના 50 થી વધુ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.