દેશભરમાં NIAના દરોડાઃ આતંકવાદ સાથે સંડોવણી મામલે 30 સ્થળે તપાસ
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA-એનઆઇએ)એ આતંકવાદીઓ અને કુખ્યાત ગેંગસ્ટર્સની સાંઠગાંઠની તપાસ મામલે મંગળવારે ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ મળીને 30 અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા.
આ મામલામાં એનઆઇએ દ્વારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં 30 સ્થળો પર વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
એનઆઇએના પ્રવક્તાએ અગાઉ કહ્યું હતું કે આતંકવાદ અને માફિયા નેટવર્ક અને તેમને ટેકો આપતા નેટવર્કને ખતમ કરવાના પ્રયાસોના ભાગરૂપે એનઆઇએ દ્ધારા તાજેતરના મહિનાઓમાં “આતંકવાદી ગતિવિધિઓથી થનારી આવકમાંથી પ્રાપ્ત સંપત્તિઓને જપ્ત કરવામાં આવી રહી છે. એનઆઈએ જણાવ્યું હતું કે ગેંગસ્ટર અને આતંકવાદી સાઠગાઠ મુદ્દે અમુક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેમની પૂછપરછ પણ ચાલુ છે.
એનઆઈએએ કહ્યું હતું કે છઠ્ઠી જાન્યુઆરીએ દેશમાં આતંકવાદી-ગેંગસ્ટર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એ વખતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સભ્યની ચાર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સંપત્તિઓનો ઉપયોગ આતંકવાદી કામગીરી માટે કર્યો હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એનઆઈએ અગાઉ આતંકવાદી અને ગેંગસ્ટર સાથે સાઠગાઠ સંબંધમાં 27મી ફેબ્રુઆરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઈએએ 16 જગ્યાએ કાર્યવાહી કરી હતી, જેમાં પંજાબના 14 અને રાજસ્થાનની બે જગ્યાનો સમાવેશ થાય છે. એના સિવાય છ લોકોની પૂછપરછ માટે અટક કરી હતી.