રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી મુઝમ્મિલ શરીફની NIAએ કરી ધરપકડ

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. NIA દ્વારા ગુરુવારે (28 માર્ચ, 2024) જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે મુઝમ્મિલ શરીફ આ કેસમાં મુખ્ય કાવતરાખોર છે, જે ત્રણ રાજ્યોના મોટા શહેરોમાં વોન્ટેડ છે (કર્ણાટકમાં 12 સ્થળોએ, તમિલનાડુમાં પાંચ સ્થળોએ અને ઉત્તર પ્રદેશમાં એક જગ્યાએ) એક કુલ 18 જગ્યાએ દરોડા પાડીને ધરપકડ કરવામાં આવી છે. પકડાયા બાદ તેને હાલમાં સહ-ષડયંત્રકાર તરીકે NIA કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
NIAએ 3 માર્ચ 2024ના રોજ આ કેસની તપાસ હાથ ધરી હતી, મુઝમ્મિલ શરીફ પહેલા મુખ્ય આરોપી મુસ્સવિર શાજીબ હુસૈનની ઓળખ કરવામાં આવી હતી. આ દરમિયાન અન્ય એક કાવતરાખોરનો ખુલાસો થયો હતો, જેનું નામ અબ્દુલ મથીન તાહા છે. હાલમાં બંને ફરાર છે અને NIA તેમને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે.
NIAની અત્યાર સુધીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુઝમ્મિલ શરીફે અન્ય બે આરોપીઓને મદદ પૂરી પાડી હતી. તેણે બ્રુકફિલ્ડ વિસ્તારમાં આઈટીપીએલ રોડ પર આવેલા રામેશ્વરમ કાફેમાં આઈઈડી પહોંચાડવામાં મદદ કરી હતી. 1 માર્ચ, 2024 ના રોજ થયેલા આ વિસ્ફોટમાં ઘણા ગ્રાહકોની સાથે હોટલ સ્ટાફ પણ ઘાયલ થયો હતો, જેમાંથી કેટલાકને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. વિસ્ફોટને કારણે કાફેમાં ભારે નુકસાન થયું હતું.
NIAના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારે પણ ત્રણેય આરોપીઓ સાથે સંકળાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તેમના ઘર, દુકાનો અને અન્ય છુપાયેલા સ્થળોનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, ટીમે ઘણા ડિજિટલ ઉપકરણો સાથે રોકડ પણ રિકવર કરી હતી. હાલમાં NIA ફરાર આરોપીઓને પકડવા માટે ઝડપથી તપાસ કરી રહી છે અને દરોડા પાડી રહી છે.